ભુજ-

છેલ્લા એક માસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપનાં ૩૦ થી વધુ આંચકા અનુભવાયા છે અને મોટાભાગે આ ભુકંપનાં આંચકા જામનગરનાં લાલપુર, ગીર સોમનાથનાં તાલાલામાં અને કચ્છનાં ભચાઉ, રાપર અને ખાવડામાં અનુભવાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં છેલ્લા એક મહિનાથી દરરોજ ભુકંપનાં આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે મોડીરાત્રે કચ્છમાં અને લાલપુરમાં તેમજ આજે વહેલી સવારે ફરી પાછો લાલપુરમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. વારંવાર આવતા ભુકંપનાં આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે જોકે હજુ સુધી કોઈ જાનહાનીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી.

સીસ્મોલોજી ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા મુજબ મોડીરાત્રે ૧૨:૪૬ વાગ્યે કચ્છનાં ભચાઉથી ૧૬ કિલોમીટર દુર નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે ૧.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ મોડીરાત્રે ૨:૦૮ વાગ્યે જામનગરનાં લાલપુરથી ૧૮ કિલોમીટર દુર ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે ૨.૨ની તિવ્રતાનો આંચકો આવતા લોકો સફાળા જાગી ગયા હતા. 

આજે વહેલી સવારે ૬:૧૧ વાગ્યે જામનગરનાં લાલપુરથી ૩૧ કિલોમીટર દુર ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે ૨.૩ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. વારંવાર આવતા ભુકંપનાં આંચકાનું કારણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે સરેરાશ ૧૮ ટકાથી વધુ વરસાદ પડયો છે. 

ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ વરસાદ પડતા જમીનના ભુસ્તરમાં પાણીનો સંગ્રહ વધુ થયો છે જેને લઈને નાના-મોટા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે જોકે હાલ તો કોઈ સૌરાષ્ટ્રમાં ફોલ્ટ લાઈન છે નહીં પરંતુ આવા નાના આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.