માંડવી, માંડવી પોલીસ સ્ટેશન ખાતે સબજેલનાં અભાવે પોલીસ કર્મીઓએ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાે કોઈ આરોપી પકડાય તો તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા અપાયેલ જેલની સજા માટે તેને લાજપોર સબજેલ ખાતે લઈ જવો પડે છે. જેથી પોલીસ કર્મીનાં સમય અને વર્કલોડ તેમજ વાહન ભથ્થું વગેરેનાં ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.

ભૂતકાળમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે સબજેલની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ ગત થોડા વર્ષોથી તેને કંડમ (બિનઉપયોગી) જાહેર કરી દેતા જેલની સજા થતા આરોપીઓને માંડવીથી લગભગ ૭૦ કી.મી. દૂર લાજપોર સબજેલ ખાતે લઈ જવા પડે છે. જેનાથી પોલીસ કર્મીઓનાં લાજપોરનાં ધક્કાઓ વધતા આરોપી સાથે જનાર પોલીસ કર્મીઓનાં સમય વર્કલોડ સહિત વાહન અને ડિઝલ ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. જાે માંડવી પોલીસ સ્ટેશન ખાતે સબજેલની સુવિધા ફરીથી ઉપલબ્ધ કરવામાં આવે તો વાહન અને ડિઝલ ખર્ચ સહિત પોલીસ કર્મીઓનાં સમય અને વર્કલોડમાં પણ ઘટાડો થશે. લાજપોર લઈ જવાયેલ આરોપીનાં સગાઓને પણ ત્યાં સુધી આવવા જવાની અગવડો પડતી હોય છે. તેથી જાે માંડવીમાં સબજેલની સુવિધા હોય તો આરોપીઓનાં સાગાએ ત્યાં સુધી ન જઈ માંડવીમાં જ કાર્યવાહી કરી શકે અને તેને જરૂરી કોઈ ચીજ પણ પહોંચાડી શકે.