હિમાચલ પ્રદેશ-

હિમાચલ પ્રદેશના કિન્નૌરના નિગુલસારીમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. બીજા દિવસે બચાવ કામગીરી દરમિયાન વધુ 3 મૃતદેહો મળી આવ્યા હતા. તે પહેલા બુધવારે 10 મૃતદેહો મળી આવ્યા હતા. આમ કુલ 13 લોકોના મોત થયા છે, જેમાંથી 2 ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હજુ પણ ઘણા લોકો ગુમ છે. આજે મુખ્યમંત્રી જયરામ ઠાકુર ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવશે. તે પીડિતોના પરિવારોને પણ મળશે. હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ હજુ ગુમ છે, ડીસી કિન્નૌર આબિદ હુસેને કહ્યું કે, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હોમગાર્ડ, આઈટીબીપીના જવાનો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આર્મી અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે, અત્યાર સુધી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસનો કોઇ પત્તો મળ્યો નથી. રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ધારાસભ્ય કિન્નૌર જગતસિંહ નેગી અને પૂર્વ ધારાસભ્ય કિન્નૌર તેજવંત સિંહ નેગી પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિગુલસરી લેન્ડસ્લાઇડ માં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ કાટમાળ નીચે દટાયેલી નથી, પરંતુ બસનો અમુક ભાગ સતલજ નદીમાંથી મળી આવ્યો છે અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.