બેઇજિંગ-

કોરોના વાયરસના વધતા કેસોની વચ્ચે ચીનમાં ફફડાટ બેસી ગયો છે. તેણે વિવિધ શહેરોમાં લાખો લોકોનું સામૂહિક પરીક્ષણ કર્યું છે. આની સાથે જ તેણે રવિવારે નવી યાત્રા પર પ્રતિબંધ મુકી દીધો છે. રવિવારે ચીનમાં કોરોના વાયરસના નવા ૭૫ કેસો નોંધાયા હતા. એવામાં આવા ૫૩ દરદીઓની ઓખળ કરાઇ છે કે જેઓ સ્થાનિક સ્તરે ચેપગ્રસ્ત થયા છે. આ લોકો પૂર્વી હવાઇ મથકથી જાેડાયેલા એક ક્લસ્ટરની સાથે ૨૦થી વધુ શહેરો અને એક ડઝનથી વધુ પ્રાંતોમાં ફેલાયેલા છે.

પૂર્વી જિઆંગસુ પ્રાંતના નાન્ઝિયાંગ હવાઇમથક પર જુલાઇમાં ડેલ્ટા વેરિઅન્ટ ઘુસી જતાં સ્થિતિ વણસી છે. ચીનના એક આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે કોરોનાનું ઘાતક ડેલ્ટા સ્વરૂપ દેશના વધુ વિસ્તારો સુધી ફેલાવવાનું જારી રહી શકે છે કેમ કે આ વ્યસ્ત હવાઇમથકોમાંથી એક નાન્ઝિયાંગમાં મળી આવ્યું હતું. ચીનની રાજધાની બેઇજિંગમાં ફેલાયેલા અત્યંત ચેપગ્રસ્ત ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ માટે અધિકારીઓએ શહેરના ૯૨ લાખ લોકો પર ત્રણ તબક્કામાં પરીક્ષણ કર્યું હતું અને હજારો લોકોને લોકડાઉન હેઠળ મુક્યું છે. હવે અધિકારી દેશભરમાં એવા લોકોને ટ્રેક કરવા માટે હાથ-પગ મારી રહ્યા છે, જેમને તાજેતરમાં જ હુનાન પ્રાંતના એક પર્યટક શહેર નાન્ઝિયાંગ અને ઝાંગજિયાજીની યાત્રા કરી હતી.