વેરાવળ,તા.૨૧ 

પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ દ્વાદશ જ્યોર્તિલિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવ પરિસરમાં ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાને પગલે ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કરતાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાે કે, હવે આવી અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે પાસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી. કે. લહેરીએ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, પાસ સિસ્ટમ લાગુ કર્યા પછી પણ દર્શન માટે આવતા ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવું પડી શકે છે.લહેરીએ જણાવ્યું છે કે, આજની ઘટના એ કોઈ ભક્ત દ્વારા સુરક્ષા માટેના પોલીસ કર્મીને લાફો મારવાને કારણે બની હતી. ઉશ્કેરાટમાં આવીને સુરક્ષા માટે તૈનાત પોલીસ પર હાથ ઉપાડવાની ઘટનાના પ્રતિસાદરૂપે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. બાકી ગઈકાલે સોમવતી અમાસ હતી અને ૧૦ હજારથી વધુ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરીને ગયા હતા તેમ છતાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ નહોતી. આ સંજાેગોમાં સોમનાથ દાદાના દર્શને આવતા ભક્તોએ પણ સંયમ જાળવવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જરૂરી છે.સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી કે લહેરીએ વધુમાં કહ્યું હતું કે, નવી પાસ વ્યવસ્થા કઈ રીતે લાગુ કરાશે અને ક્યારથી તેનો અમલ કરાશે તેની સઘળી વિગતો આજે સાંજ સુધીમાં જારી કરી દેવાશે. દર્શનાર્થીઓને પાસ ઓનલાઈન આપવા કે મંદિર સંકુલ પાસેથી જારી કરવા તે અંગેની વિગતો પણ સાંજે જ જારી કરી દેવામાં આવશે. જાે કે, મંદિર ટ્રસ્ટ એ વાતનું સૌથી વધુ ધ્યાન રાખશે કે સોમનાથ દાદાની શરણમાં આવતા કોઈ પણ ભક્તને તકલીફ ન પડે.