વડોદરા, તા. ૨૪ 

હરણી પોલીસ મથક ખાતે આજે સવારે પોલીસ વિભાગના એચ ડિવિઝન માં ફરજ બજાવતા જવાનો માટે મફત નિદાન અને હોમિયોપેથીક સારવારના ક્લિનિક નું શુભારંભ થયો હતો જેના ઉદઘાટન પ્રસંગે એચ ડિવિઝનના એસીપી ભરત રાઠોડ, હરણી પોલીસ મથકના પીઆઈ આર એસ બારિયા, હોમિયોપેથિક એસો.ઓફ ઈન્ડિયાનાનેશનલ સેક્રેટરી ડો.પિયુષ જાેષી તેમજ ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો.જગદીશ લિંબહાશિયા અને નમન કોર્પોરેશનના દિનેશ જૈન હાજર રહ્યા હતા. હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, વડોદરા યુનિટ, વડોદરા પોલીસ વિભાગ અને નમન કોર્પોરેશન ના સયુંકત ઉપક્રમે ૨૪ જાન્યુઆરીથી હરણી પોલિસ મથક ખાતે દર મહિનાના પેહલા અને ચોથા રવિવારે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનો માટે મફત નિદાન અને હોમિયોપેથીક સારવારના ક્લિનિક કાર્યરત રહેશે. આ હોમિયોપેથીક કૅમ્પની પોલીસ બેડામાં થનારી સારી અસરો વિશે માહિતી આપતા એસીપી રાઠોડે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ક્લિનિક થકી પોલીસ જવાનોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થયની જાળવણી થશે અને પોલીસ સામાન્ય પ્રજાની વધુ સારી સેવા કરી શકશે. એસોસિએશન વતી મંત્રી ડૉ. સૌરભ શાહ એ આ તક આપવા બદલ પોલીસ વિભાગનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.