આણંદ : ડૉ.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મોગર (આણંદ )ખાતે ચારૂત્તર એજ્યુકેશન એન્ડ નવરચના ટ્રસ્ટ દ્વારા મધ્ય ગુજરાતમાં એક આગવી પહેલના ભાગરૂપે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા IAS/ IPS /GPSC સંલગ્ન મહત્વની સરકારી નોકરીઓમાં પસંદગી માટે ટ્રેનિંગ સેંટર AIGATE ( Ais & GPsc Aptitude Training & Exam ( AIGATE ) Centre )નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગ સેન્ટરના નિયામક અને માર્ગદર્શક તથા પૂર્વ સનદી અધિકારી એમ. બી. પરમારે IAS / IPS / GPSC તાલીમ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ, ફી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોને કારકિર્દી ઘડતરની ઉમદા તક આ સેન્ટરમાં મળશે. અધ્યક્ષસ્થાનેથી બોલતાં પૂર્વ સનદી અધિકારી ડૉ.ડી. એચ. બ્રહ્મભટે સંસ્થા સાથે સક્રિયપણે જાેડાઈને જાહેર વહીવટનો વિશાળ અનુભવ ધરાવતા IAS / IPS તથા અન્ય સનદી અધિકારીઓ નવા શરૂ થયેલા AIGATE સેન્ટરને માર્ગદર્શન પૂરું પાડશે, તેમ જણાવ્યું હતું. સંસ્થાના ચેરમેને AIGATE સેન્ટરમાં તાલીમ લેનાર ઉમેદવારો માટે મહત્વની યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, એચએમ પટેલ એવોર્ડ અંતર્ગત AIGATE સેન્ટર માં તાલીમ લઇ IAS / IPS સર્વિસમાં પસંદગી પામેલ ઉમેદવારને રૂપિયા એક લાખ તથા અન્ય ઇન્કમટેક્સ, કસ્ટમ્સ જેવી કેન્દ્રીય સેવામાં પસંદગી પામનારાં સ્પર્ધકને રૂપિયા પચાસ હજારનો એવોર્ડ આપવામાં આવશે. તેમજ GPSCમાં નાયબ કલેક્ટર સંવર્ગમાં પસંદગી પામનાર ઉમેદવારને રૂપિયા પચીસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે. સંસ્થાની અન્ય યોજના હેઠળ શ્રી ભાઇલાલભાઈ પટેલ સ્કોલરશીપ ફોર સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન્સ અંતર્ગત AIGATE સેન્ટર દ્વારા જનરલ અને ઓબીસી કેટેગરીમાં સરકાર દ્વારા નક્કી કરેલાં આવકના ધોરણો અનુસાર પસંદગી પામનાર તથા SC/STના તમામ ઉમેદવારોની ફી ૨૫ ટકા સ્કોલરશીપ સ્વરૂપમાં આપવામાં આવશે. તેવી જ રીતે DJMITકૉલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ફીના ૫૦ ટકા સ્કોલરશીપ તથા DJMIT કોલેજના પાસ આઉટ વિદ્યાર્થીઓને ફીની રકમના ૨૫ ટકા સ્કોલરશીપ આપવામાં આવશે.  

આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય ટ્રસ્ટીઓ આનંદભાઈ જાેશી, સંજયભાઈ, કે.એમ.સોલંકીએ સેન્ટરની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. AIGATE તાલીમ સેન્ટર દ્વારા તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓન લાઇન એપ્લિકેશન્સ મગાવવામાં આવશે. આ તાલીમ સેન્ટરમાં તાલીમ લેવા ઈચ્છુક આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના ઉમેદવારોને સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે DJMIT ઇજનેરી કૉલેજની વેબ સાઈટ www.djmit.ac.inની મુલાકાત લેવી અથવા સવારે ૧૦ થી ૫ કલાક દરમિયાન સંસ્થામાં AIGATE ટ્રેનિંગ સેન્ટરની ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.