વડોદરા, તા.૨૪ 

ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં રાહતદરે સીટીસ્કેન માટે નવા સીટીસ્કેન મશીન ઈન્સ્ટોલ કરી આજે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરની સયાજી હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ અલગ અલગ બીમારીઓની સારવાર માટે આવતા હોય છે. કેટલાક દર્દીઓમાં સીટીસ્કેન કરાવવાની તાતી જરૂરિયાત હોય છે તેવા સમયે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી અને સરકારી સીટીસ્કેન સેન્ટરોમાં મોંઘાભાવે સીટીસ્કેન કરાવવાની ફરજ પડતી હોય છે.

દર્દીઓની આ જટિલ સમસ્યાને ધ્યાનમાં રાખીને સયાજી હોસ્પિટલમાં સુપ્રિ. ડો. રંજન ઐયર અને વહીવટી અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં જ સીટીસ્કેનની સુવિધા ઉપલબ્ધ થાય એ માટેના અથાગ પ્રયાસ શરૂ કર્યા હતા. આ પ્રયાસોનો સુખદ અંત આવતાં હોસ્પિટલમાં માળખાગત સારવાર સુવિધા હેતુ કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સીટીસ્કેન મશીન સયાજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે જેનો આજે પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે હોસ્પિટલના સુપ્રિ. ઐયર, મેડિકલ કોલેજના ડીન ડો. તનુજા જાવડેકર, આરએમઓ ડો. આર.બી.શાહ અને રેડિયોજલોજી વિભાગના વડા ડો. ચેતન મહેતા સહિત ઉપસ્થિત રહ્યા હતા.