વડોદરા : કોરોનાના કહેર વચ્ચે રાજ્યના પોલીસવડાએ શહેરમાં આવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ડીજીપી આશિષ ભાટિયાએ સૌ પ્રથમ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જઈ ડીજી કપ ક્રિકેટ ટી-ર૦ કપનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ હરણી પોલીસ મથકે જઈ ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરની સુવિધાનું ઉદ્‌ઘાટન કર્યા બાદ નાગરિકોએ ગુમાવેલી અને પોલીસે પરત મેળવેલી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. બપોરે ૧૨ વાગે પોલીસ ભવન ખાતે જઈ ‘શી’ ટીમ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યા બાદ મીડિયા બ્રિફિંગ કર્યું હતું.

ગુજરાતના પોલીસના આગવા અભિગમ હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે એકસેતુનું નિર્માણ થાય તેવા આશય સાથે આરંભ કરવામાં આવ્યો હતો. પ્રજાભિમુખ અભિયાન અંતર્ગત નાગરિકોએ ચોરી, ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓમાં ગુમાવેલી મિલકત પરત સોંપવાનો કાર્યક્રમો હરણી પોલીસ મથક ખાતે પોલીસ વડા આશિષ ભાટિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાટિયાના હસ્તે ૮ર જેટલા ફરિયાદીઓને ૧૦.૫૫ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, બાઈક, કાર સહિતનો મુદ્‌ામાલ પરત આપવામાં અવ્યો હતો અને ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો પણ શુભારંભ કરાવ્યો હતો.

પોલીસવડા ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોએ ચોરી, લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી વગેરેના ગુનાઓમાં ગુમાવેલ મુદ્‌ામાલ તેમને પરત મળે તે માટે ગુજરાત પોલીસ પ્રાથમિકતાના ધોરણે કામ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા ઝડપથી ગુનાઓ ઉકેલાય અને નાગરિકોએ ગુમાવેલ મુદ્‌ામાલની પરત સોંપવા માટે કોર્ટ મારફતે કરવાની થતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસ દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે. ચોરી, ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગુનાઓના આરીપોઓ પકડાઈ જવાથી કે સજા થવાથી નાગરિકોને કંઈ પ્રાપ્ત થતું નથી. ઘણીવાર કાયદાકીય પ્રક્રિયાના કારણે વરસો સુધી મુદ્‌ામાલ પડી રહે છે. ત્યારે નાગરિકોએ ગુમાવેલ મુદ્‌ામાલ પરત મળે તે દિશામાં પોલીસે કામગીરી કરી છે.

પોલીસ દ્વારા નવતર અભિગમ સાથે શહેરના હરણી પોલીસ મથક ખાતે ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો તેઓએ શુભારંભ કરાવ્યો હતો. ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરમાં રંગબેરંગી પોસ્ટર, કાર્ટૂન, બલૂન, રમકડાં વગેરેથી સુસજ્જ અલાયદો ખંડ તૈયાર કરાયો હતો. ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરના હેતુઓમાં રાજ્યમાં પોલીસમાં ૩૩ ટકા જેટલી જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે, ત્યારે મહિલા પોલીસ અધિકારી-કર્મચારીઓને ફરજ દરમિયાન બાળકોની સારસંભાળ રાખવમાં ઘણી અગવડતા પડતી હોય છે, ત્યારે તેના નિવારણ માટે મહિલા અધિકારી-કર્મચારીઓ પોતાના બાળકોને સાથે લાવી શકે અને બાળકોને યોગ્ય વાતાવરણ મળી રહે તેમજ નાની ઉંમરે કાયદાના સંઘર્ષમાં બાળકોને અન્ય ગુનેગારો કરતાં અલગ રાખી શકાય.

આગામી હોળી-ધુળેટી પર પ્રતિબંધ લાગી શકે છે

રાજ્યભરમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે ત્યારે શહેરમાં ત્રણ કાર્યક્રોમમાં હાજરી આપવા શહેરમાં આવેલા રાજ્યના પોલીસવડાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હોળી-ધુળેટી તહેવાર આવે છે. ત્યારે લોકો એકત્ર થઈ આ તહેવાર ન ઉજવે એની ઉપર પોલીસ નજર રાખશે, તેના પરથી લાગી રહ્યું છે કે હોળી-ધુળેટીના તહેવાર ઉપર પ્રતિબંધ લાગી શકે છે. પોલીસવડા ભાટિયાએ નવા ગુજસીટોક અને ગુંડા એક્ટ ઉપરાતં લેન્ડ ગ્રેબિંગ ઉપર પોલીસ કડક કાર્યવાહી કરશે એમ ઉમેર્યું હતું.