વડોદરા, તા.૫  

પાલિકા દ્વારા સ્થાયી સમિતિ ખંડ ખાતે યોજાયેલ ઈ-લોકાર્પણના કાર્યક્રમમાં મેયર ડૉ.જિગીશાબેન શેઠના હસ્તે વિવિધ કાર્યક્રમોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના સભાસદો માટે અતિ ઉપયોગી બની રહે એવી “મ્યુનિસિપલ સેક્રેટરી એપ”નો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રૂા.૧.૩૫ કરોડના ખર્ચે કિશનવાડી ખાતે નવીન અર્બન હેલ્થ સેન્ટરનું ઈ-લોકાર્પણ, ધરમપુરા (બેકારપુરા) પ્લીન્થ ક્વાટર્સના લાભાર્થીઓને વેચાણ દસ્તાવેજ સુપરત કરવાનો કાર્યક્રમ અને સયાજીબાગ ઝૂના વાર્ષિક અહેવાલની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મેયર ડૉ.જિગીશાબેન શેઠના હસ્તે સ્થાયી સમિતિ રૂમ ખંડેરાવ માર્કેટ ખાતે આ ઇ-લોકાર્પણ તથા શુભારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મેયર દ્વારા કિશનવાડી ખાતે રૂા. ૧.૩૫ કરોડના ખર્ચે નવીન અર્બન હેલ્થ સેન્ટરનું ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ભારત પ્રોગ્રામ અંતર્ગત સરકારી તંત્રમાં ડિઝિટલાઇઝેશનને પ્રાધાન્ય આપવાના હેતુથી પાલિકાના સભાસદોને પાલિકાની સ્થાયી સમિતિ, સામાન્ય સભા તથા વિવિધ પેટા સમિતિઓના એજન્ડા ઉપરાંત નિમંત્રણ પત્રિકા વગેરે તેઓના મોબાઇલ ફોનમાં ઉપલબ્ધ થાય તે માટે “મ્યુનિસિપલ સેક્રેટરી એપ” નામની મોબાઇલ એપનો શુભારંભ કરાયો તેમજ સયાજીબાગ ઝૂના વાર્ષિક અહેવાલની પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલ, મ્યુનિ. કમિશનર સ્વરૂપ પી, શાસકપક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, કાઉન્સિલરો ધર્મેન્દ્ર પંચાલ, અજિત પટેલ, રાધિકા ભટ્ટ, મ્યુનિસિપલ સભાસદો તથા પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય અધિકારી દો.દેવેશ પટેલ, સેક્રેટરી ચિંતન દેસાઈ, અલ્પેશ મઝમુદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.