વડોદરા -

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ૯૭ ટકા ઉંચા ભાવે ખરીદાયેલા પતરાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછીથી પતરાના વેપારીનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં આ પતરા કાંડ પાલિકાના શાસકો અને તંત્રનો પીછો છોડવાનું નામ લેતું નથી. તાજેતરમાં ઉપરવાસમાં અને વિશ્વામિત્રીના સ્ત્રાવ વિસ્તારમાં આવેલા ભારે વરસાદને કારણે અને શહેરના આજવા સરોવરમાં વધતી જતી પાણીની સપાટીને કારણે નિયત સપાટી જાળવી રાખવાને માટે વિશ્વામિત્રીમાં વારંવાર પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આને કારણે કાલાઘોડા ખાતે સલામતીના કારણોસર વિશ્વામિત્રી બ્રિજ પર પતરા મારવામાં આવ્યા હતા. પરંતુ વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ, વરસાદની ઋતુ વિદાય લઇ રહી છે. તેમ છતાં વિશ્વામિત્રી બ્રિજ પરની પાળી સાથે બાંધવામાં આવેલા પતરાઓને હજુ સુધી ત્યાંથી ખસેડવામાં આવ્યા નથી. જેને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને પુલની ફૂટપાથના બદલે રોડ પર ચાલીને પુલ પસાર કરવો પડતો હોઈ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. શું પાલિકા પતરા હટાવવાને માટે કોઈનો ભોગ લેવાય એની પ્રતીક્ષામાં છે? એવો પ્રશ્ન આમ આદમીમાં ઉઠી રહ્યો છે.