ગાંધીનગર આમ આદમી પાર્ટી- ‘આપ’ માં સાત મહિના અગાઉ જાેડાયેલા ભૂવાજી અને લોક ગાયક વિજય સુવાળાએ ઝાડું છોડીને આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. જાે કે ભાજપ પ્રવેશ સમયે વિજય સુવાળા ૨૦૦ થી વધુ સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યારે વિજય સુવાળાએ રાજ્ય સરકારના ૧૫૦ વ્યક્તિની કોરોનાની ગાઈડલાઈનનો છડે ચોક ભંગ કર્યો હતો.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે ભારે ઉત્સાહભેર જાેડાનારા ભૂવાજી અને ગાયક વિજય સુવાળાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ‘આપ’માં જાેડાયા ત્યારે તેને સ્વચ્છ પાર્ટી ગણાવનાર વિજય સુવાળાને સાત મહિના જ ‘આપ’થી મન ભરાઈ ગયું હતું. આથી બે દિવસ અગાઉ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યું ત્યારે તેમણે હાલમાં પરિવાર સાથે સમય વિતાવવો છે તેવું નિવેદન કર્યું હતું. પરંતુ બે જ દિવસ બાદ આજે ભાજપમાં વિધિવત રીતે જાેડાયા હતા. આ સમયે તેઓ તેમના ૨૦૦ જેટલા સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. ત્યારે કોરોનાને લઈને રાજ્ય સરકાર દ્વારા લદાયેલા પ્રતિબંધનું ઉલ્લંધન થતું જાેવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરના સંકટને ધ્યાનમાં રાખીને અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં ફક્ત ૧૫૦ વ્યક્તિઓની જ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ‘આપ’ને બાય બાય કર્યા બાદ ગણતરીના કલાકોમાં ભૂવાજી, લોકગાયક અને નેતા વિજય સુવાળા ભાજપમાં પ્રવેશવા માટે આવ્યા હતા. ભાજપમાં જાેડાવવાના કાર્યક્રમમાં વિજય સુવાળાના ૨૦૦થી વધુ સમર્થકો, કાર્યકરો અને આગેવાનોથી હોલ ભરાયેલો જાેવા મળ્યો હતો. ત્યારે કોરોનાના નિયમો અને ગાઈડલાઈનના નિયમો સામાન્ય જનતા માટે હોય છે, તો આ નેતાઓ માટે આ નિયમો કેમ લાગુ પડતા નથી તેવી લોક મુખે ચર્ચા થતી જાેવા મળી હતી. વિજય સુવાળા અમદાવાદથી કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. ઉપરાંત કમલમ ખાતે અગાઉથી અનેક કાર્યકરો હાજર હતા. કમલમના હોલમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિજય સુવાળાને ભાજપનો કેસરિયો પહેરાવ્યો હતો. ત્યારે હોલમાં સ્ટેજની નીચેની જગ્યામાં જ ૧૮૦થી વધુ કાર્યકરો અને મહેમાનો હાજર હતા ઉપરાંત સ્ટેજની ઉપર પણ ૨૦થી વધુ કાર્યકરો અને નેતાઓ હાજર હતા. આમ સમગ્ર કાર્યક્રમમાં ૨૦૦થી વધુ લોકો હાજર હતા. સામાન્ય નાગરિકો જ્યારે નિયમોનું પાલન ના કરે ત્યારે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ રાજકીય પક્ષના કાર્યક્રમમાં નિયમોનું પાલન ના થાય તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ પણ રાજકીય કાર્યક્રમોમાં મર્યાદા કરતા વધુની હાજરી હતી, એટલે કે નિયમો માત્ર નાગરિકો માટે જ છે.