ગાંધીનગર ગાંધીનગરના પેથાપુરમાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના બની હતી. જેમાં ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા પાસે કોઈ અજાણ્યો શખ્સ એક માસૂમ બાળકને મૂકીને ફરાર થઈ ગયો હતો. માનવતાની હત્યા સમાન આ સમગ્ર ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જાે કે, એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રસ્તા ઉપર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું હતું. જેના કારણે આ બાળકના માતા-પિતાને શોધવા માટેની કામગીરી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ત્યજી દેવાયેલા માસૂમ બાળકના મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને તાકીદે આ બાળકના પરિવારને શોધવા માટેની સૂચનાઓ આપી હતી. જે અંગે ગાંધીનગર પોલીસે આ ત્યજી દેવાયેલા બાળક (સ્મિત)ના પરિવારને સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શોધી કાઢયો છે. ઘરેલુ ઝગડામાં તેનો પિતા તેને ત્યજીને ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અંગે મોડી સાંજે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.રાજ્યના પાટનગર ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની ગૌશાળા નજીક ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ એક માસૂમ દોઢેક વર્ષના બાળકને તરછોડીને નાસી ગયો હતો. જેના કારણે પાટનગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જાે કે મામલો એટલો હાઇપ્રોફાઇલ બની ગયો હતો કે, રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોતે દોડી આવ્યા હતા અને આ બાળકના પિતા અને પરિવારને તાત્કાલિક શોધવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અંગે ગાંધીનગર પોલીસ દ્વારા જુદી જુદી દસ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસની આ મહેનત આખરે રંગ પણ લાવી હતી. પોલીસ તપાસમાં આ ત્યજી દેવાયેલા બાળકનો પિતા સચિન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તે ગાંધીનગરના સેક્ટર ૨૬ માં રહેતો હોવાનું પણ ખૂલ્યું છે.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે, પતિ-પત્નીના ઝગડામાં બાળકને તરછોડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતા સચિન દિક્ષિતે પોતાના ઘરકંકાસથી ત્રસ્ત થઈને આવું આત્યાંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

ગર્લફ્રેંડ બાળકને રાખવા માટે તૈયાર ન થતા સચિને શોર્ટકટ અપનાવ્યો

સચિન દીક્ષિતને પોતાની પત્ની અનુસાર એક ગર્લફ્રેન્ડ પણ હતી. આ ગર્લફ્રેન્ડ થકી આ બાળક આવ્યું હતું. જ્યારે સચિનનું પોતાનું પણ એક ૪ વર્ષનું બાળક છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ થકી છે. સચિનના બાળકનું નામ ધ્રુવ દીક્ષિત છે. જ્યારે આ બાળક તેની ગર્લફ્રેન્ડ થકી હોવાનું સામે આવી રહ્યું છે. ગર્લફ્રેંડ બાળકને રાખવા માટે તૈયાર નહી હોવાના કારણે તથા આ બાળકના કારણે ગર્લફ્રેંડ અને પત્ની સાથે ઘરકંકાસ થતો હોવાના કારણે આખરે સચિને આ રસ્તો અપનાવ્યો હતો. સચિનને પોતાની ગર્લફ્રેંડ સાથે બાળક મુદ્દે ઝગડો થતા તે બાળકને લઇને નિકળ્યો હતો. પેથાપુર ગૌશાળા પાસે બાળકને મુકીને ફરાર થઇ ગયો હતો. પોતાના ઘરે જઇને સીધો જ તે પત્નીને લઇને પોતાના સસુરાલ કોટા ખાતે ફરાર થઇ ગયો હતો. જાે કે આ સમગ્ર ઘટનાક્રમથી તેની પત્ની અજાણ હતી. હાલ તો ગુજરાત પોલીસ દ્વારા પતિ પત્ની બંન્નેને ઝડપી લેવામાં આવ્યા છે. તમામને ગાંધીનગર લવાઇ રહ્યા છે. વિસ્તૃત તપાસ બાદ જ આ સમગ્ર મામલો સાચી રીતે ખુલશે.

ઘરેલું ઝગડામાં પિતા સચિન દિક્ષિત બાળકને ત્યજી ગયા હતા ઃ સંઘવી

ગાંધીનગરના પેથાપુર ખાતે સ્વામિનારાયણ મંદિર પાસેથી ગઈકાલે એક બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. આ બાળકના પિતા અને પરિવારની ભાળ મળી ગઈ હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.ગાંધીનગરના પેથાપુર ખાતેથી ગઈકાલે એક આઠેક માસનું બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પાટનગર ગાંધીનગરમાં ભાર ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રસ દાખવીને પોલીસને તાકીદે બાળકના પિતા અને પરિવારને શોધવાની સૂચનાઓ આપી હતી. જે અંગે આજે ગાંધીનગર પોલીસે બાળકને તરછોડીને ફરાર થઈ જનાર તેના પિતાને રાજસ્થાનના કોટા ખાતેથી ઝડપી લીધો છે. ત્યારે આજે રાત્રિના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ઘરેલુ કંકાસના કારણે આ બાળકને તેના પિતા છોડીને ફરાર થઈ ગયા હતા.