દાહોદ  હાલ કોઈ વિભાગ એવો નહીં જાેવા મળે જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો ન હોય તેવા સમયે દાહોદ જિલ્લામાં ગરીબ લોકોને સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા સરકારે નક્કી કરેલ પુરવઠો પૂરો આપવામાં આવે છે કે નહીં તે જાેવા દાહોદ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ૫૬ જેટલી સસ્તા અનાજની દુકાનો આકસ્મિક તપાસ હાથ ધરાતા અનાજ વિતરણમાં ગંભીર ક્ષતિઓ જાેવા મળતા જિલ્લામાં ત્રણ જેટલી સસ્તા અનાજની દુકાનોના ત્રણ માસ માટે અને બે દુકાનોના બે માસ માટે પરવાના સસ્પેન્ડ કરાતા સસ્તા અનાજની દુકાનોના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને ૨૦૨૧ ના મે માસ દરમિયાન કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના હેઠળ મફતમાં તથા એન.એફ.એસ.એ યોજના અંતર્ગત રેગ્યુલર પ્રમાણ અને દરથી અનુ પુરવઠો આપવામાં આવે છે કે કેમ જેની ચકાસણી કરવા માટે દાહોદ જિલ્લા કલેકટરના તારીખ ૨૧.૫.૨૦૨૧ ના હુકમથી દાહોદ જિલ્લાની ૫૬ જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં પ્રાંત અધિકારી અને મામલતદારો મારફતે આંતર તાલુકા તપાસ કરવામાં આવી હતી અને તેના અહેવાલ કલેકટરને સુપરત કરવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવેલી ગંભીર ક્ષતિઓ ને આધારે દાહોદ તાલુકાની ત્રણ દુકાનોના ત્રણ માસ માટે તથા સંજેલી તાલુકાના જસુણી ગામની બે દુકાનોના બે માસ માટે પરવાના મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.