વડોદરા,તા.૧૯  

વડોદરા સ્થિત ઉદ્યોગોના સંગઠનની શતાયુ સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ ૧૯૯૩માં શરુ કરવામાં આવેલ દ્વિવાર્ષિક એફજીઆઈ એવોર્ડ ફોર એક્સેલન્સનો ૧૬મો એવોર્ડ સમારોહ એફજીઆઈ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી યોગેશ પટેલના હસ્તે વિવિધ ૧૪ શ્રેણીના ૧૬ વિજેતાઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. જેમાં રસાયણ અને દવા ઉદ્યોગમાં એક સાડી ઉપરાંતથી કાર્યરત અને હવે રિયલ એસ્ટેટમાં ઝંપલાવનાર એલેમ્બિકના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર -સીએમડી ચિરાયુ અમીનને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. વડોદરા ખાતે ૧૯૧૮માં સ્થપાયેલ અને છેલ્લા ૧૦૨ વર્ષથી વ્યાપાર ઉદ્યોગના પ્રશ્નો પ્રત્યે જાગૃકતા દાખવનાર એફજીઆઈ દ્વારા એના પ્લેટિનમ જ્યુબિલી વર્ષ ૧૯૯૩માં સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થિત વ્યક્તિઓ, સામાજિક સંસ્થાનો, ઉદ્યોગોની પ્રવૃત્તિઓને બિરદાવવાને માટે અને તેઓની કામગીરીને પ્રોત્સાહિત કરવાને માટે દ્વિવાર્ષિક એવોર્ડ ફોર એક્સિલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે ૧૬માં એવોર્ડ સમારોહમાં કુલ ૧૪ કેટેગરીમાં ૧૬ ને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ અંગે એફજીઆઈ ખાતે યોજાયેલ સમારોહમાં રાજ્યના નર્મદા મંત્રી યોગેશ પટેલના હસ્તે વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ ફોર એક્સેલન્સની ટ્રોફી આપવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને બિરદાવવાને માટે શરુ કરાયેલા આ એવોર્ડ સમારોહમાં ઔદ્યોગિકની સાથોસાથ સામાજિક ક્ષેત્રની સેવાઓ કરનારને પણ આવરી લેવામાં આવે છે. આ એવોર્ડ સમારોહને માટે એફજીઆઈ પાસે કુલ ૨૬૦ અરજીઓ આવી હતી. જેનું ઝીણવટપૂર્વક પૃથ્થકરણ કરીને જ્યુરીના સભ્યો દ્વારા આખરી યાદી માનસિક કસરત કરીને તૈયાર કરવામાં આવી હતી. જેઓને આજે એવોર્ડ ફોર એક્સેલન્સ આપવામાં આવ્યો છે. આ પસંદગીમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને જ્યુરીઓ દ્વારા ૧૩ વિવિધ ક્ષેત્રોના વિજેતાઓના નામોને મહોર મારવામાં આવી હતી. જયારે સર્વાનુમતે એલેમ્બિકના સીએમડી ચિરાયુ અમીનને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ એફજીઆઈના ૧૬માં એવોર્ડ ફોર એક્સેલન્સ સમારોહમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વ્યક્તિગત અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ વિજેતાઓને રૂપિયા પચાસ હજારનો ચેક તેમજ તેમના કાર્યમાં મદદરૂપ થવાને માટે અપાયો હતો.