હિંમતનગર : હિંમતનગર તાલુકા પંચાયતની હિસાબી શાખામાં બેઠેલા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણને વર્તમાન ઉપપ્રમુખ ધૂળસિંહ રહેવરે તેમના મત વિસ્તારની ગ્રાન્ટ ભાજપ તાલુકા સંગઠનના પ્રમુખના ગામમાં વાપરી નાખવાના મામલે બોલાચાલી થવા દરમિયાન ઝપાઝપી થતા લાફો ઝીંકી દીધાની વાત વહેતી થતાં ટોળા ઉમટયા હતા..સોમવારે બપોરે બે વાગ્યાના સુમારે હિંમતનગર તાલુકા પંચાયતની હિસાબી શાખામાં બીજી ટર્મમાં ભાજપને ટેકો આપનાર અપક્ષ સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણ બેઠેલા હતા તે દરમિયાન કોંગ્રેસના બળવાખોર અને તાજેતરમાં કોંગ્રેસમાં પરત ફરેલા વર્તમાન ઉપપ્રમુખ ધૂળસિંહ મૂળસિંહ રહેવર આવીને વિષ્ણુસિંહ સાથે તેમની ગ્રાન્ટ અન્ય મત વિસ્તારમાં કેમ વાપરી કાઢી મામલે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન ઝપાઝપી થઈ હતી.વિષ્ણુસિંહનું ટીશર્ટ પણ ફાટી ગયું હતું.વર્તમાન ઉપપ્રમુખે પૂર્વ ઉપપ્રમુખને લાફો ઝીંકી દીધાની વાત પ્રસરી જતા લોકોના ટોળા ઉમટયા હતા. મામલો ઉગ્ર બનતો જોઈ તાલુકા પંચાયતના કર્મચારીએ પોલીસ બોલાવી હતી.આ દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતા હરેશ પ્રજાપતિ પણ દોડી આવ્યા હતા.બંને સદસ્યો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોનો ધસારો વધતાં જોઇને તાલુકા પંચાયત ઉપપ્રમુખે જણાવ્યું કે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. મારા મત વિસ્તાર રાજપુરમાં ગ્રાન્ટ વપરાવી જોઈએ તે તાલુકા ભાજપ સંગઠન પ્રમુખના ગામ બેરણામાં અને વાવડીમાં વાપરી કાઢવામાં આવી છે..તા.પં. વિપક્ષ કોંગ્રેસના નેતા હરેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે વિષ્ણુસિંહને સમજાવ્યા છે.મંગળવારે સાથે બેસાડી કડવાશ દૂર કરવા સમાધાન સધાયું છે.