અમદાવાદ, અમદાવાદ શહેરનાં તમામ બ્રિજ અને હેરિટેજ બિલ્ડિંગો હવે રોશનીના ઝગમગાટથી ઝળહળી ઊઠશે. નાના-મોટા બ્રિજ અને ફલાઇ-ઓવરબ્રિજ, એલિસબ્રિજ પર હેરિટેજ પોલ્સ સહિત સ્વામિનારાયણ ટેમ્પલ પર ડેકોરેટિવ લાઈટિંગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ૮૯ લાખ રૂપિયાના ખર્ચે આ લાઈટિંગ કરવાનો ર્નિણય લેવાયો છે. ચાર વાર ટેન્ડર બહાર પાડ્યા બાદ સિંગલ ટેન્ડર આવતાં આજે મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવે એવી શક્યતા છે. અમદાવાદમાં તમામ નાના-મોટા બ્રિજ, હેરિટેજ બિલ્ડિંગ, એલિસબ્રિજ પર હેરિટેજ પોલ્સ, સ્વામિનારાયણ ટેમ્પલ સહિતની જગ્યાઓ પર ડેકોરેટિવ લાઈટિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં યોગ્ય ભાવ ન મળતાં કમિટીએ પાછા મોકલ્યા હતા. ચાર વાર બાદ આજે નવી દરખાસ્ત છે. ઔરા બ્રાઇટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ૮૯ લાખનું ટેન્ડર મૂક્યું છે. સિંગલ ટેન્ડર આવતાં આજે કમિટી એને મંજૂરી આપી દે એવી શક્યતા છે. એ ઉપરાંત શહેરના આંબલી, બોડકદેવ, બોપલ, મેમનગર સહિતના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા હવે કરોડો રૂપિયાના ખર્ચે નવી ફૂટપાથ બનાવવા અને રિપેરિંગ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.