નવીદિલ્હી 

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ વખત પિતા બનવા જઈ રહ્યો છે. આવામાં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે જેનું સમર્થન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ કર્યું છે અને તેને પિતૃત્વ અવકાશ આપ્યો છે. આવું જ કંઈક ન્યુઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમસન સાથે પણ છે. વિલિયમસન પણ પહેલી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આવામાં તેણે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને તેને પણ ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પરવાનગી આપી છે.

કેન વિલિયમસને કહ્યું હતું કે તેની પત્ની ડિસેમ્બરના મધ્યથી ડિસેમ્બરના અંત પહેલાં બાળકને જન્મ આપવાની છે જેથી તેણે બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. રવિવારે હેમિલ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 134 રનથી જીત નોંધાવ્યા બાદ ટીમના કોચ ગેરી સ્ટીડે કહ્યું કે વિલિયમસનને પિતૃત્વ અવકાશ માટે બોર્ડે મંજૂરી આપી દીધી છે. કોચે કહ્યું કે સૌથી ખરાબ સ્થિતિમાં કેન વિલિયમસન અમુક મેચને મીસ કરી શકે છે. એક પિતાના રૂપમાં, એક વાલીના રૂપમાં તમને જીવનમાં એક વખત પ્રથમ બાળકના જન્મ માટે આ પ્રકારનો અવસર મળે છે અને મને ખબર છે કે તે કેન માટે પણ મહત્ત્વપૂર્ણ છે. અમે ક્રિકેટ રમીએ છીએ પરંતુ તેમાં અન્ય વસ્તુઓ પણ એટલી જ મહત્ત્વની હોય છે.

હવે વેસ્ટ ઈન્ડિઝ-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજો ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં શુક્રવારથી શરૂ થવાનો છે. આ પછી કિવી ટીમ 18 ડિસેમ્બરથી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં પાકિસ્તાન સાથે ટકરાશે અને પછી બે ટેસ્ટ રમાશે જે 26ડિસેમ્બરથી શરૂ થવાની છે.