ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ (ગુજરાત શિક્ષણ બોર્ડ) હેઠળ લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પૈકીની ધોરણ ૧૦ની પરિક્ષાને રદ કરી દેવામાં આવી છે. અને તેના સ્થાને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. ત્યારે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ અસમંજસમાં પડ્યું છે. આથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના પરિણામને તૈયાર કરવા માટે હવે સીબીએસઇની માર્ગદર્શિકાનું અનુસરણ કરી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે ૧૧ સભ્યોની એક કમિટી બનાવી છે. આ ૧૧ સભ્યોની કમિટીની પરઠમ બેઠક શનિવારે મળી હતી. આ બેઠકમાં સભ્યો દ્વારા ગુજરાત બોર્ડમાં પણ સીબીએસઇની ધોરણ ૧૦ ની માર્ગદર્શિકાનું અમલીકરણ કરવા અંગે ચર્ચા કરાઇ હતી. જેમાં કેટલાક સભ્યોએ ગુજરાત બોર્ડને અનુરૂપ સુધારા વધારા સાથે તેને લાગુ કરવા માટેનો અભિપ્રાય આપ્યો હતો. આ ઉપરાંત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવું? માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓની માર્કસશીટને ક્યાં આધાર ઉપર તૈયાર કરવી? તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ૧૧ સભ્યોની કમિટીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા સંચાલકો અને શિક્ષણ તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ૧૧ સભ્યોની કમિટીની બેઠક ફરી આગામી સપ્તાહમાં મળશે. આ બેઠકમાં ધોરણ ૧૦ વિદ્યાર્થીઓના પરિણામ અંગે ચર્ચાઓ કરીને આખરી ઓપ આપવામાં આવશે. ત્યાર બાદ કમિટી પોતાનો ર્નિણય રાજ્ય સરકારને સોંપશે. આ કમિટી દ્વારા પોતાનો અહેવાલ તૈયાર કરવામાં ધોરણ ૧૦ ના દરેક વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા પ્રમાણે ન્યાય મળે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કારણ કે, આ માસ પ્રમોશન જાહેર કરવામાં આવતા હજારો તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓમાં તેમની સાથે અન્યાય થયાની લાગણી પ્રસરી જવા પામી છે. આથી આ સંજાેગોમાં આવા તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવશે તેમ કમિટીના સૂત્રોએ જણાવ્યુ હતું.