વડોદરા : કોરોના જેવી મહામારીએ પકડ મજબૂત બનાવતાં લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કમાણી કરવાના મનસૂબા રાખતા મેડિકલમાફિયાઓ કોરોનાની સારવારમાં અતિઉપયોગી મનાતા રેમડેસિવિર ઈન્જેકશનોના કાળાબજાર કરી રહ્યા છે. ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાંચ કાળાબજારિયાઓને ઝડપી પાડી અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ૯૦ ઈન્જેકશનો સહિત ૭.૬૧ લાખનો મુદ્‌ામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ કૌભાંડ મસમોટું છે હજુ અનેકની સંડોવણી બહાર આવશે.

રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજારિયાઓ દર્દીઓના સગાઓ પાસેથી રૂા.૫૪૦૦ના ઈન્જેકશનના રૂા.૧૬ થી ૨૫ હજાર વસૂલતા હતા અને આવા ૪૦૦ ઉપરાંત ઈન્જેકનો વેચી ચૂકયા હોવાનું પ્રારંભિક પૂછપરછમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનું માનવું છે આ કૌભાંડમાં ફાર્માસ્ટીટ, હોસ્પિટલના કર્મચારીઓ, ડિસ્ટ્રિબ્યુટર અને મેડિકલ સપ્લાયની સંડોવણી બહાર આવી છે. વધુ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે.

શહેર પોલીસ કમિશનર સમશેરસિંગે જણાવ્યું હતું કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાળાબજારીમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી છે. વડોદરામાંથી ૪૫ ઇન્જેક્શન પકડાયા છે. ૫ાંચ આરોપીઓ મળીને ૧૬થી ૨૦ હજાર સુધીમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા. વિકાસ પટેલ શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને આ વિકાસ પટેલ આણંદના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે.

રાત્રે અમે આણંદના જયનમ ફાર્મા એજન્સી ચલાવતા જતીન પટેલના ઘરે રેડ કરી, જ્યાંથી અમે ૪૫ ઇન્જેક્શન કબજે કર્યાં હતા અને ૪૫ ઇન્જેક્શન વડોદરામાંથી કબજે કર્યાં છે. આમ કુલ ૯૦ ઇન્જક્શન કબજે કર્યાં છે અને ૨ લાખ રૂપિયા રોકડ રકમ કબજે કરી છે. જતીન પટેલ વડોદરાની એક વીકે એન્ટરપ્રાઇઝના વિવેક શાહ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. આ લોકોએ ૩૦૦થી ૪૦૦ જેટલા ઇન્જેકશન બ્લેકમાં વેચ્યા છે અને હજી ૩૦૦થી ૪૦૦ જેટલા ઇન્જેક્શન વેચવાના હતા, જે પહેલાં રેડ પાડી હતી. પાંચેય ફાર્માસિસ્ટના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. પોતાના કોન્ટેક્ટ મારફતે તેઓ રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા હતા. ડોક્ટરોની સંડોવણી હજુ સુધી બહાર આવી નથી. આરોપીઓ કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા. ગુજરાતમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં ઇન્જેક્શન પકડાયા છે. ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી ૪.૮૬ લાખની કિંમતના ૯૦ રેમડેસિવિર ઇન્જેક્શન, બે લાખ રૂપિયા રોકડા, ૪ મોબાઇલ અને એક બાઇક સહિત કુલ ૭.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે ધર૫કડ કરાયેલા આરોપીઓ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપીઓમાં ઋષી પ્રદિપભાઇ જેધ (ઉંવ.૨૬,રહે. એ-૨૮, જયઅંબે સોસાયટી, ઇલોરાપાર્ક) - ૧૭ ઇન્જેક્શન સાથે પકડાયા, વિકાસ લક્ષ્મણભાઇ પટેલ (ઉ.વ.૩૫, (રહે. ૧૩૭, સહજાનંદ ડુપ્લેક્સ, કલાલી રોડ) - ૧૨ ઇન્જેક્શન સાથે ઝડપાયો, પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ (ઉં.વ.૨૯, રહે. ફ્લેટ નં-૬, નીલનંદન કોમ્પેલેકસ, ન્યુ વીઆઇપી રોડ) ૧૬ ઇન્જેક્શન સાથે ઝડપાયો,મનન રાજેશભાઇ શાહ (ઉં.વ.૩૪, રહે. એ-૫૦૩, સાકાર સ્પ્લેન્ડોરા-૧, સમા-સાવલી રોડ, વેમાલી) જ્યારે જતીન પટેલ (રહે. આણંદ, જયનમ ફાર્મા નામની દવાની એજન્સી ચલાવે છે - ૪૫ ઇન્જેક્શન સાથે ઝડપાયો હતો.

ભાજપાના કયા મોટા નેતાને રોજેરોજ ર૦ રેમડેસિવિર મળે છે?

વડોદરા. શહેર ભાજપાના એક મોટા ગજાના નેતા રોજના ૩૦ થી પ૦ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મેળવે છે એ કેવી રીતે? અને એનું એ શું કરે છે? એવા સવાલ રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યો છે. શું એના કાળાબજાર થાય છે કે સેવા કરવા માટે આ જથ્થો ડિસ્ટ્રિબ્યુટરો પાસેથી દાદાગીરી કરીને મેળવાય છે? જાે કાળાબજાર કરતા હોય તો માફ કરી શકાય એમ નથી અને જાે સેવા કરતા હોય તો પણ દર્દીઓના સગાઓ એમની પાસે હાથ લંબાવી ભાઈ-બાપા કરે એવી એ રાજકીય નેતાની મનશા પણ શરમજનક હોવાનું સૌ માની રહ્યા છે.

જપ્ત કરાયેલા રેમડેસિવિર ઈન્જેકશનો સયાજી હોસ્પિટલને અપાશે ઃર્ડો.સમશેર સિંઘ

વડોદરા. મેડિકલમાફિયાઓ પાસેથી જપ્ત કરાયેલા ૯૦ રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો સયાજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને આપવાનો નિર્ણય પોલીસ કમિશનર ડો. સમશેરસિંગે લીધો છે. કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિમાં બેડની અછત, ઓક્સિજનનની અછત અને રેમડેસિવિર ઈન્જેકશનોની તૂટ પડી રહી છે. ત્યારે ગુરુવારના રોજ જરૂરી પ્રક્રિયા હાથ ધરી આ જથ્થો સયાજી હોસ્પિટલના જવાબદાર અધિકારીને સુપરત કરવામાં આવશે. પોલીસના આ માનવતાભર્યા અભિગમને સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.