વડોદરા,તા.૬  

ગુજરાત સરકાર દ્વારા એક પછી એક કામગીરીના ડિજિટલાઇઝેશનની સાથોસાથ ખાનગીના હવાલે કામગીરી સોંપવાના ર્નિણયને લઈને વિવાદ થવા પામ્યો છે. જેમાં રાજ્ય સરકારના મૃતપાય બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડને પુનઃ નવજીવન આપીને ઉભું કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં હાઉસિંગ બોર્ડની જવાબદારી માટે રાજ્ય સરકાર દ્વારા મર્યાદિત શાખાઓ ધરાવતી કોટક મહેન્દ્ર બેંક સાથે જાેડાણને લઈને વિવાદ સર્જાવા પામ્યો છે. જેને લઈને આ બેંકમાં હાઉસિંગ બોર્ડના મકાનો માટેના માત્ર સાહીઠ રૂપિયાના ફોર્મ લેવાને માટે લાંબી લાંબી લાઈનો પડી હતી જેને લઈને ફોર્મ લેવા આવનારના કામના કલાકો બગડ્યા હતા. એની સાથોસાથ બેન્કના નિયમિત ગ્રાહકોને પણ આ લાંબી લાઈનોને લઈને બેંકની કામગીરીને માટે જવા આવવામાં ભારે તકલીફ પડી હતી. આમ જે બેંકની મર્યાદિત શાખાઓ હોય એવી ખાનગી બેંકને સરકારે કોઈ અગમ્ય કારણસર કામગીરી સોંપતા વિવાદ ઉભો થવા પામ્યો છે. આ બેંકમાં સમગ્ર જાન્યુઆરી માસમાં હાઉસિંગ બોર્ડના ફોર્મ અપાશે. જેને લઈને સમગ્ર માસ દરમ્યાન આવી સ્થિતિનું નિર્માણ થશે એ નિશ્ચિત છે. આ પ્રમાણે ભૂતકાળમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા ખાનગી બેંક એક્સિસ બેન્કને એફોર્ડેબલ હાઉસિંગના ફોર્મ વિતરણની જવાબદારી આપી હતી. પરંતુ એમાં ભારે વિવાદ અને ઉહાપોહ થતા આખરે પાલિકાએ ત્યારબાદ આ ખાનગી બેંકની કામગીરી વોર્ડ ઓફિસોથી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જેને લઈને વિવાદ

શાંત થયો હતો.