દિલ્હી-

ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આજે ​​કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. મળતી માહિતી મુજબ અડવાણીને એઈમ્સ હોસ્પિટલમાં રસી અપાઇ હતી. સમય દરમિયાન, અડવાણીએ કોરોનાના નિયમોની વિશેષ કાળજી રાખી હતી, તેમણે તેમના ચહેરા પર માસ્ક પહેર્યું હતુ. હકીકતમાં, કોરોના રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે. આ તબક્કા હેઠળ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.

જ્યારે, 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડાતા લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રસીકરણના બીજા તબક્કાના પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લીધી હતી. જ્યારે બાદ ધીરે-ધીરે તમામ દિગ્ગજ નેતાઓએ રસી લેવાનું શરૂ કર્યું. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારથી લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રસી લીધી.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ રસી લીધી હતી. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન, ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પણ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.તમને જણાવી દઈએ કે, ફરી એકવાર દેશમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. કોરોના પ્રત્યે બેદરકારી દાખવવાને કારણે દરરોજ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિત લોકોના 15,388 નવા કેસ નોંધાયા છે. જ્યારે, કોરોનાને કારણે 77 લોકોનાં મૃત્યુ થયા છે, ત્યારબાદ કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો કુલ આંકડો 1 લાખ 57 હજાર 930 પર પહોંચી ગયો છે.