રાજકોટ-

રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ૨ દિવસથી સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી જિલ્લા પંચાયત માટે ૩૧ અને તાલુકા પંચાયત માટે ૭૫ મુરતિયાઓ મળ્યા હતા.

તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેડી, ત્રંબા, બેડલા, સરધાર વગેરે બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ભાજપ દ્વારા આજે સવારથી બેડીપરા પટેલ વાડી ખાતે નિરીક્ષકો મહેન્દ્ર પાડલિયા, અલ્પેશ ઢોલરિયા અને સીમાબેન જોષી દ્વારા સેન્સ લેવાનું શરૂ કરાયુ હતું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ નસિત, પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજા, સભ્ય ચેતન પાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સેન્સમાં નાકરાવાડીથી તાલુકા પંચાયતની માલિયાસણ સીટ ઉપરથી શાંતિલાલે સેન્સ આપી હતી. તેઓએ પોતાના વિસ્તારના વિકાસનો ભાવપૂર્વક કોલ આપ્યો હતો. 

ઉપલેટા, જેતપુર, જામકંડોરણા, ગોંડલ, કોટડા સાંગાણી, લોધીકા, પડધરી, જસદણ, વિંછીયા સહિતના તાલુકા તેમજ ગોંડલ નગરપાલિકા માટે ગત તા.૨૬મીના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ધોરાજી અને રાજકોટ તાલુકા માટેની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક અને મહિલા નિરીક્ષકની રાજકોટ જિલ્લામાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની અને મહિલા નિરીક્ષક તરીકે ધારાસભ્ય નિમાબેન આચાર્યની નિમણૂંક થઈ હતી. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા માટે કવાયત હાથ ધરાઈ છે. જેના અનુસંધાને ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા નિરીક્ષકોની નિમણૂંકો કરવામાં આવી હતી. આજે રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા ભાજપ દ્વારા છેલ્લા ૨ દિવસથી સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી જિલ્લા પંચાયત માટે ૩૧ અને તાલુકા પંચાયત માટે ૭૫ મુરતિયાઓ મળ્યા હતા.