આણંદ, તા.૩૦ 

આર્ત્મનિભર ભારત અને લોકલ ટુ વોકલના સંદેશાને દેશમાં લોકો આવકારી રહ્યાં છે, જેનાં કારણે લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળ્યાં છે. આણંદની ૪- ગુજરાત ગર્લ્સ બટાલિયનના ગર્લ્સ કેડેટ ઇન્સ્ટ્રકટર પૂનમ મહેતાને રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને આર્ત્મનિભર ભારત અને લોકલ ટુ વોકલના વિચાર સાથે સ્વદેશી રાખડી બનાવવાનો વિચાર આવતા ૪- ગુજરાત ગર્લ્સ બટાલિયનની ૩૦-૩૫ કેડેટ્‌સ મળીને પૂર્ણ સ્વદેશી સામાનથી વિવિધ રાખડીઓ તૈયાર કરી છે.

ઇન્સ્ટ્રકટર પૂનમ મહેતાએ જણાવ્યું હતું કે, ગર્લ્સ કેડેટ્‌સ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રાખડીઓ જૂનાં જિલ્લા સેવા સદન ખાતે વેચાણ માટે મૂકવામાં આવી છે. આગામી ૩ દિવસ દરમિયાન સુપર માર્કેટ ઉપરાંત વિવિધ જગ્યાએ આ રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. આ રાખડીના વેચાણમાંથી જે પણ આવક થશે, તેમાંથી જરૂરિયાતમંદ ગર્લ્સ કેડેટ્‌સને સહાય કરવામાં આવશે. સાથે જ અમૂક વિસ્તારોની બહેનોને રાખડીનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે, જેથી તેઓ તેમના ભાઈઓને પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનની રાખડી બાંધીને ઉજવણી કરી શકે.

કમાન્ડ અધિકારી કર્નલ રાજેશ યાદવના સહકાર સાથે યુનિટના એએનઓનો ખૂબ જ સહકાર રહ્યો હતો. મે. પ્રતીક્ષા પટેલ, લેફ. કૃતિકા, લેફ. સવિતા યાદવ, રેશ્મા પરમાર, નીરૂ ચોગલે, રેખા મકવાણા, કલ્પનાબેન, હિના સંઘવી તેમજ વિવિધ કોલેજ-સ્કૂલના અધ્યાપકોએ પોતાના કેડેટ્‌સને આ પ્રવૃત્તિ કરવા અંગે માર્ગદર્શન અને સહકાર પૂરો પાડ્યો હતો. સિનિયર જીસીઆઈ પન્ના જાેષીએ કાર્યક્રમનું સંચાલન કરી કેડેટ્‌સનો ઉત્સાહ વધાર્યો હતો.