વડોદરા, તા.૨૨

અઢી દાયકાથી બહુમતીને કારણે એકહથ્થુ શાસન ચલાવી પ્રજાના નાણાં અને વડોદરાની સાર્વજનિક માલિકીની કરોડો-અબજાે રૂપિયાની મિલકતો પોતાના મળતિયાઓ, ઉપરી આકાઓના ફંટરોને પધરાવી લઈ રીતસર લૂંટફાટની ગુનાહિત ગેરરીતિ કરનાર શાસક ભાજપાએ આજે મુઠ્ઠીભર કોંગ્રેસીઓ સામે ઝુકી જઈ પોતે મનસ્વીપણે ‘ગ્રીનબેલ્ટ’ના નામે પોતાના પક્ષના નેતાઓ-મળતિયાઓને આપેલા ૪૬ પ્લોટ પરત લઈ લેવાની ફરજ પડી હતી. ગઈકાલ સુધી આ પ્લોટના મુદ્દે બચાવની ભૂમિકામાં દેખાયેલા મેયર કેયુર રોકડિયા આજે કોઈ અજ્ઞાત સ્થળેથી શક્તિનું ઈન્જેકશન લઈને આવ્યા હોય એમ પોતાના પક્ષના નિર્ણયને રદ કરવાની એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી મોડે મોડે પણ પક્ષના મોવડીઓને પોતાનાં બાવડાં બતાવ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ ભાજપાના કેટલાક નેતાઓ, અગ્રણીઓ તેમજ તેમના મળતિયાઓને, સંસ્થાઓના કે વ્યક્તિગત ફાળવેલા ગ્રીનબેલ્ટના પ્લોટોના દુરુપયોગ થતો હોવાના વિવાદમાં મોટાભાગના પ્લોટો પર કોઈ વનીકરણ થયું નહીં હોવાનું જણાતાં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યુ હતું. કોર્પોરેશને આ પૂર્વે ૨૦ પ્લોટોને નોટિસ આપી હતી, જે પૈકી ૫ પ્લોટનો કબજાે પરત મેળવ્યો હતો.

આજે કોર્પોરેશન ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ મુદ્દે એક આવેદનપત્ર પણ તૈયાર કર્યું હતું. જેમાં કોર્પોરેશને તમામ પ્લોટની ફાળવણી રદ કરી પરત લઇ લેવા અને કોર્પોરેશન વૃક્ષારોપણ કરે તેવી માગણી આવેદનપત્રમાં દર્શાવી હતી. જાે કે તે પહેલાં મેયરે તમામ પ્લોટનો કબજાે પરત લઇ લીધો છે તેવી જાહેરાત કરી દીધી હતી. કોંગ્રેસે બાદમાં એમને મળીને વૃક્ષારોપણના પ્રતીક તરીકે છોડ આપ્યા હતા અને મેયરના આ નિર્ણય બાદ કોંગ્રેસે આ વડોદરાના નગરજનોની જીત હોવાનું જણાવી ફટાકડા ફોડ્યા હતા. જાે કે દરમિયાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. ઉલ્લેખનીય છે કે ગ્રીન પાર્ટી પ્લોટનો વિવાદ થતાં અત્યાર સુધીમાં કોર્પોરેશને ૨૦ નોટિસ ફટકારી હતી અને પાંચનો કબજાે પરત લઇ લીધો હતો.

નવા પ્લોટ કડક નિયમો સાથે ફાળવો ઃ કોંગ્રેસ

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, ૪૬ પ્લોટ કોર્પોરેશને પરત લઈ લેવાનો ર્નિણય કર્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી કરોડોની જગ્યાના ચાલતા ભ્રષ્ટચાર પર પૂર્ણવિરામ મૂકયું છે. કોંગી અગ્રણીઓએ મેયરને છોડ આપી પોતાની માગણીઓને સ્વીકારવા બદલ અભિનંદન આપ્યા હતા અને આવનારા દિવસોમાં જે જૂના અને નવા પ્લોટ વનીકરણ માટે આપવાના છે તેના માટે કડક નિયમો બનાવી પ્લોટ સંસ્થાઓને આપવામાં આવે, જેથી આવનાર દિવસોમાં ગ્રીન વડોદરાનું સપનું સાકાર થાય.

હવે પ્લોટનું મેઈન્ટેનન્સ અને વૃક્ષારોપણ સહિતની કામગીરી કોર્પોરેશન કરશે ઃ મેયર

મેયરે જણાવ્યું હતું કે કોર્પોરેશને ૧૯૯૧ના ઠરાવ મુજબ અગાઉથી આવા પ્લોટ વનીકરણ માટે આપવાનું શરૂ કર્યું હતું. છેલ્લો પ્લોટ વર્ષ ૨૦૧૯માં ફાળવ્યો હતો. કેટલાક પ્લોટ પર કશું થયું નથી. વનીકરણ તો ઠીક કમ્પાઉન્ડ વોલ પણ બનાવી નથી. ૧૨થી વધુ પ્લોટ એવા છે જ્યાં વૃદ્ધો કે મહિલાઓ અથવા તો બીજા કોઈ સંગઠનોએ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ કરી છે, પરંતુ ધંધાદારી પ્રવૃત્તિઓ કરી નથી. આવી બધી સમાજહિતમાં જે પ્રવૃત્તિઓ થઈ છે તે બદલ તેમણે સરાહના કરી હતી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે આ પ્લોટ કોર્પોરેશન પોતાના હસ્તક લઈને પ્લોટનું મેઈન્ટેનન્સ કોર્પોરેશન કરશે અને વૃક્ષારોપણ સહિતની કામગીરી કરશે. જેઓ પાસે હાલ પ્લોટ છે તેઓને પોતાનો સામાન વગેરે ત્યાંથી ખસેડી લેવાનો સમય આપ્યો છે.