અમદાવાદ-

રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં ૧૮થી ૪૪ વર્ષની વયના યુવાનોને કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. આજે પહેલાં જ દિવસે અફરાતફરીનો માહોલ અમદાવાદ શહેરના કેટલાક સેન્ટર પર થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ થયો છે. રજિસ્ટ્રેશન વેરિફિકેશન, સોફ્ટવેર પ્રોબ્લેમ, રજિસ્ટ્રેશન કરેલા સેન્ટરની વિગત અને રસીનો જથ્થો ઓછો આવવાના લોકો હેરાન થયા છે. બાકીના સેન્ટરો પર યુવાનો રસી લેવા માટે લાઈન લગાવી હતી. ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામા આવી હતી. જાે કે વેક્સિન કોઈને ઓબ્ઝર્વેશનમાં બેસાડવામાં આવતા ન હતા.

કેટલાક સેન્ટર પર તો વેક્સિનેશન જ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. વંદના પાર્થિવ પંચાલે જણાવ્યું હતું કે, કોવિન વેબસાઈટ પર તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઘોડાસર વિસ્તારમાં આવેલી શાળા નંબર ૨માં તેઓને સવારે ૯થી ૧૧નો વેક્સિનેશન માટે સમય આપવામાં આવ્યો હતો. જાેકે આજે સવારે અડધા કલાક પહેલા જ તેઓને મેસેજ આવ્યો હતો કે, તમારું વેક્સિનેશન કેન્સલ થયું છે અને કોવિડ એપ પર રિસિડયૂલ કરવું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓસવાલ ભવન ખાતે પણ વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે સવારથી ૧૪૫ જેટલા લોકોએ વેક્સિન લીધી હતી. શાહીબાગ વિસ્તારના કાઉન્સિલર ભરત પટેલ(લાલભાઈ)એ જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકોને વેક્સિન આજથી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજે શાહીબાગમાં ઓસવાલ ભવન ખાતે સવારથી મોટી સંખ્યામાં જેમને વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે શાહીબાગ વોર્ડમાં ઘરે ઘરે અને સોસાયટીઓમાં વેક્સિનેશન કેમ્પ કર્યા હતા. વેક્સિનેશનમાં સ્થાનિક ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ હાજર રહ્યા હતા.

સાબરમતી શાળા નંબર ૭ ખાતે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે ઉમટી પડ્યા હતા. જે યુવાનોએ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓને જ વેક્સિન આપવામાં આવે છે ત્યારે કેટલાક લોકોને મેસેજ આવ્યો હતો. પરંતુ ક્યાં કેન્દ્ર પર રસી લેવી તેની માહિતી અંદર ન આવતાં તેઓ રસી લેવા ત્યાં પહોચ્યાં હતા કેટલાક લોકોને મેસેજ મળ્યો હતો છતાં તેઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કન્ફર્મ ન થતા હેરાન થયા હતા.નરોડા વિસ્તારમાં આવેલી શાળાના ૨૦૦ લોકોને વેક્સિનનું રજિસ્ટ્રેશન હતું પરંતુ ૧૦૦ જ રસીના ડોઝ લાવવામાં આવ્યા હતા. જેના કારણે બીજા આવેલા લોકોને લાઈનમાં રાહ જાેવી પડી હતી. અડધો કલાક બાદ વેક્સિન લાવી આપી હતી. બીજી તરફ જે સમય લોકોને આપવામા આવ્યો હતો તે મુજબ વેક્સિન આપવા ટોકન આપવામાં આવતું હતું. ટોકન લઈ લોકોને લાઈનમાં ઉભા રાખવામા આવ્યા હતા.

ટલોડિયા પ્રભાત ચોક ખાતે આવેલી નૂતન અંગ્રેજી સ્કૂલમાં ટોકન મુજબ લાઈનમાં લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો વેક્સિન લેવા આવ્યા હતા. તમામ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. બીજી તરફ નવરંગપુરા ખાતે આવેલી શાળા નંબર ૭-૮માં પણ લાઈનમાં રહી યુવાનોને વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન લીધા બાદ અડધા કલાક માટે બાજુમાં આવેલ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસવાનું હોય છે જાેકે, એકપણ વ્યક્તિને ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડવામાં આવ્યા ન હતા. વેક્સિન લઈ લોકો તરત ઘરે જતા રહ્યાં હતાં. જે લોકોએ રસીનો બીજાે ડોઝ લેવાનો છે તેઓ પણ સ્કૂલ પર રસી લેવા પહોંચયા હતા. પરંતુ તેઓને આ સ્કૂલ પર માત્ર ૧૮થી ૪૪ વર્ષના જ લોકોને વેક્સિન આપવામાં આવે છે જેથી તેઓને અર્બન હેલ્થ સેન્ટર અથવા બીજા સેન્ટર પર જવા માટે કહ્યું હતું. નારણપુરા શાળા નંબર ૪માં આજે બીજાે ડોઝ લેવાનો હોવા છતાં તેઓને બીજા સેન્ટર જવા માટે કહેવામાં આવ્યું હતું.