દિલ્હી-

આજે અયોધ્યામાં ભૂમિ પૂજન વિધિ સંપન્ન થયા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રાર્થના કરી હતી અને એમણે ટ્વીટ કરીને ભારતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને એમ કહ્યું છે કે ભગવાન રામ અનુકંપા પ્રેમ અને ન્યાયના પ્રતીક છે. તેમણે કહ્યું કે ભગવાન રામ ઉચ્ચ માનવીય ગુણો ના અધિષ્ઠાતા છે. આપણી મનો ચેતનાના ઊંડાણમાં આ ગુણો માનવતા નો પાયો છે. આવા સદગુણો વાળો માણસ ક્યારેય ક્રૂર હોઈ શકે નહીં. રામ તો ન્યાયના પ્રતીક છે. જે બધા જ માનવો પ્રત્યે ન્યાય ની ભાવના ઉજાગર કરે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે યુપી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ પ્રસંગને વધાવી લીધો હતો અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો.કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ એ આજના દિવસને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ગણાવ્યો છે.આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જન્મભૂમિ'માં થયેલા ભૂમિપૂજન ના આ પ્રસંગને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ બતાવીને દેશવાસીઓને શુભકામના પાઠવી છે અને પોતાની ખુશાલી પ્રગટ કરી છે.