વડોદરા,તા. ૨    

ફતેગંજમાં ૩૦ જૂને રાત્રે કર્ફ્યુના ભંગના ગુના હેઠળ પકડાયેલા આરોપીને ૨૪ વર્ષીય એલ.આર.ડી જવાન તેના જ ટુ-વ્હીલર પર બેસીને કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. આરોપીએ ટુ-વ્હીલર પુરઝડપે ચલાવીને રસ્તામાં આવતું એક સ્પીડ બ્રેકર કુદાવતા એલ.આર.ડી જવાન ઉછળીને નીચે પટકાયો હતો અને સારવાર દરમ્યાન ગઈકાલે રાત્રે તેનું મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજ જોતા ટૂ-વહીલર ચાલક પુરઝડપે ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું અને એલ.આર.ડી જવાન પટકાયા બાદ તેને લોહીલુહાણ હાલતમાં સળવળતો છોડીને ફરાર થઇ ગયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. બનાવ સંદર્ભે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અનલોક-૧ના છેલ્લા દિવસે એટલે કે ૩૦ જૂનની રાત્રે ફતેગંજ સર્કલ પાસે પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન છાણી, રોઝીઝ ગાર્ડન પાસેની શ્રીમાઈ કૃપા સોસાયટીમાં રહેતો કુશવંતસિંગ રવિન્દ્રસિંગ ધોત્રા પોતાનું ટુ-વ્હીલર લઇને નિઝામપુરા તરફ જઇ રહ્યો હતો. કુશવંત પાસે બહાર નીકળવાનું કોઈ વ્યાજબી કારણ ન હોવાથી પોલીસે કર્ફ્યુ ભંગની કાર્યવાહી માટે રોક્યો હતો અને તે સમયે પોઇન્ટ પર હાજર એલ.આર.ડી જવાન પ્રતિક રમેશભાઇ સોલંકી (રહે, ૮૧, જૂની રામવાડી, વડોદરા) સાથે પોલીસ સ્ટેશન મોકલ્યો હતો. એલ.આર.ડી જવાન પ્રતિક સોલંકી આરોપીના ટુ-વ્હીલર પાછળ બેસીને પોલીસ સ્ટેશન જઇ રહ્યા હતા. ટુ-વ્હીલર ચાલક કુશવતંસિંગ પુરઝડપે વાહન ચલાવી રહયો હતો. એવામાં નિઝામપુરા સ્થિત ઘેલાણી પેટ્રોલપમ્પ સામે સ્પીડ બ્રેકર આવતા કુશવંતસિહે ટુ-વ્હીલર ધીમી પાડી નહોતી. જેથી એલ.આર.ડી જવાન પ્રતીક ઉછળીને નીચે પટકાયો હતો. આ દરમિયાન આરોપી ટુ-વ્હીલર લઇને ફરાર થઇ ગયો હતો. ઘટના દરમ્યાન આસપાસમાં બેસેલા કેટલાક લોકો એલ.આર.ડી જવાનની મદદે દોડી આવ્યા હતા, પરંતુ તે બેશુદ્ધ અવસ્થામાં હોવાથી અને વધારે પડતું લોહી વહી રહ્યું હોવાથી તેને સારવાર માટે સૌપ્રથમ સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા ગઈકાલે મોડીરાત્રે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને આરોપી કુશવંતસિંગ રવિન્દ્રસિંગ ધોત્રાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસકર્મીઓ પણ અંતિમયાત્રામાં જોડાયા

વિચિત્ર કહી શકાય એવા ગંભીર અકસ્માતમાં જુવાનજોધ પુત્ર ગુમાવતા પ્રતીકના પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. જોકે, આજે સવારે તેના નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રા માત્ર પરિવાર પૂરતી સીમિત રહી ન હતી, પરિવાર સહીત ફતેગંજ પોલીસમથકના મોટાભાગના પોલીસકર્મીઓ તેની અંતિમયાત્રામાં જોડાયા હતા અને મૃતક એલ.આર.ડી જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રતીકની ઉંમર માત્ર ૨૪ વર્ષ, હજુ ટ્રેનિંગ પણ પુરી થઇ નહોતી

ફતેગંજ પોલીસમથકમાં ફરજ બજાવી રહેલ પ્રતીક સોલંકીની ઉંમર હજુ માત્ર ૨૪ વર્ષની જ હતી. તે થોડા મહિનાઓ અગાઉ જ લોકરક્ષક દળમાં જોડાયો હતો અને જૂનાગઢ ખાતે તેની ટ્રેનિંગ ચાલી રહી હતી. જોકે, ટ્રેનિંગ પુરી થાય તે અગાઉ જ કોરોના સંક્રમણને કારણે લાગુ કરાયેલ લોકડાઉનને પગલે તમામ તાલીમાર્થીઓને પોતાના જિલ્લામાં પરત મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારબાદ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તે વડોદરા આવ્યો હતો અને ફતેગંજ પોલીસમથકમાં ફરજ બજાવી રહ્યો હતો.