વડોદરા : આઈપીએલની ૧૪મી સીઝન માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે. આ ઓક્શનમાં ગુજરાતના અનેક ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં વડોદરાના રણજી પ્લેયર અને ડાબોડી પેસ બોલર લુકમાન મેરીવાલની દિલ્હી કેપિટલે પસંદગી કરી છે. દિલ્હી કેપીટલ ફ્રેન્ચાઈઝે લુકમાનને ૨૦ લાખમાં ખરીદ્યો છે.

લુકમાન મેરીવાલ વડોદરા તરફથી ૪૦ જેટલી રણજી ટ્રોફી મેચ રમ્યો છે. તેમજ તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પસંદગીકારનું ધ્યાન આકર્ષીત કરી ચૂક્યો છે. લુકમાનનો આઈપીએલ સીઝન - ૧૪ માટે દિલ્હીની ટીમમાં સમાવેશ થતા પરિવારજનોમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા પણ તેને બોલાવવામાં આવ્યો હતો. તમામ ફ્રેન્ચાઈઝી તેના પ્રદર્શનથી ખુશ હતી.

લુકમાને તાજેતરમાં રમાયેલી સૈયદ મુસ્તાકઅલી ટી-૨૦ ટુર્નામેન્ટની ૮ મેચમાં ૬.૫૨ ના સરેરાસ રનરેટથી ૧૫ વિકેટ ઝડપી હતી. ૨૯ વર્ષના મેરીવાલ ૧૭ ફર્સ્ટક્લાસ, ૩૧ લીસ્ટ મેચ અને ૪૪ ટી-૨૦ મેચ રમ્યો છે. ટી-૨૦માં લુકમાને ૪૪ મેચમાં ૩ વખત ૫-૫ વિકેટ સાથે કુલ ૭૨ વિકેટ ઝડપી છે. બરોડાના હજુ અન્ય પ્લેયરો પણ ઓક્શન લીસ્ટમાં સામેલ છે ત્યારે તેમનો પણ અન્ય ફ્રેન્ચાઈઝમાં સમાવેશ થાય તેવી શક્યતા છે.