અમદાવાદ-

ગુજરાત આરોગ્ય વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુજરાત શાખાના સન્માન સમારંભમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હવેથી ગુજરાતમાં જ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉભી કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તે દિશામાં મહત્વની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, તેમણે જણાવ્યું કે કોરોનાકાળમાં જટિલ સમસ્યાઓ અને ફેફસાના ચેપ જેવી અનેક કોમ્પ્લીકેશન્સ સામે આવ્યા છે, જેના કારણે આપને ફેફસાના પ્રત્યાર્પણ માટે બીજા રોજ્યોની હોસ્પિટલો ઉપર આધાર રાખીને બેસી રહેવું પડે છે જેને લઈને હવે તે ફેસેલીટી ગુજરાત રાજ્યમાં જ શરુ થાય તે અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં જ આ ફેસેલીટી લોકોને પ્રાપ્ત થાય તે દિશામાં વિચાર કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની શાખાઓ દ્વારા દેશભરમાં સૌથી વધુ બ્લડ એકત્ર કરવામાં આવે છે, ગુજરાતનો નંબર રક્ત એકત્રિત કરવામાં દેશભરમાં મોખરે આવે છે. નાયબ મુખ્યમંત્રિ નીતિન પટેલે કહ્યુ કે દેશભરમાં સૌથી વધુ કિડનીના પ્રત્યર્પણ માટેના ઓપરેશનો અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંત્રી દ્વારા હાલમાં જ અમદાવાદમાં બાળ હૃદય રોગની હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિક્સસેલ એનેમિયા અને થેલેસિમિયાનાં દર્દીઓને ઓળખવાનું અને તેની સારવાર અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા દેશભરમાં સર્વોત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે અંગેની સુવિધામાં વધારો થાય તેના માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.