વડોદરા : માંજલપુર પોલીસ મથકના જવાન સામે થયેલી લૂંટની ફરિયાદ બાદ આજે એસીપીની તપાસનો અહેવાલ રજૂ કરાયો હતો. આ અહેવાલના આધારે પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસરની તાત્કાલિક અસરથી કચ્છ-ભૂજ પશ્ચિમ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યાં હાજર થતાં જ એમની સામે ફરજમોકૂફ કરવાની કાર્યવાહી કરવામાં આવશે એમ પોલીસની સત્તાવાર અખબારીયાદીમાં જણાવાયું છે. 

મુંબઈથી રાજસ્થાન થઈ રહેલા એન્જિનિયરની કારને રમેશ ગલસરે રોકી હતી અને કારની તલાશીમાં દારૂની બોટલો મળી આવતાં ચાલક પર કેસ કરવાન ધમકી વડોદરા-માંજલપુર પોલીસ મથકના કોન્સ્ટેબલે આપી હતી. એન્જિનિયરે આ મામલાના સમાધાન માટે રૂા.ર૦ હજારની અલગ અલગ રીતે ચૂકવણી કરી હતી. ચાલક પૈસા ઉપાડવા ગયો ત્યાં તેની કારમાંથી ગૂગલનો ફોન અને આઈ વોચ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે એન્જિનિયરે તત્કાલીન પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટને જાણ કરતાં તેઓને તોડબાજ રમેશ ગલસર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

માંજલપુર પોલીસ મથકના તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ગલસર સામે પ્રિવિનેશન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જાે કે, રિમાન્ડ પૂર્ણ થતાં કોન્સ્ટેબલને જેલના હવાલે કરાયો હતો. હાલ જામીન પર મુક્ત થયેલ રમેશ ગલસરે કરેલા કૃત્યના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાઈ હતી જેના પરિણામે શહેર પોલીસ કમિશનરે આ મામલે ગંભીરતા દાખવી તોડબાજ કરનાર ગલસરની કચ્છ-ભૂજ પશ્ચિમ ખાતે બદલી કરી દેવામાં આવી છે. બદલી કર્યા બાદ તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મુંબઈનો એન્જિનિયર અમિતકુમાર પોતાની કાર લઈને દિવાળી પૂર્વે ઉદેપુર જવા માટે નીકળ્યો હતો. અમિત તેની કારમાં એકલો હતો. ગત તા.૧૩ નવેમ્બરના રોજ અમિત રાત્રિના બે વાગ્યાની આસપાસ કરજણ પહોંચ્યો હતો જ્યાં હાઈવે પર ભારે ટ્રાફિક હોવાથી તેણે શોર્ટકટ રસ્તો શોધવા માટે ગૂગલનો સહારો લીધો હતો. ગૂગલ મેપના આધારે તે મોડી રાત્રે બિલ-ચાણસદ રોડ પર આવી પહોંચ્યો હતો, જ્યાં અગાઉથી માંજલપુર પોલીસનો તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસર પોતાની સ્કોર્પિયો કાર અને ટોળકી સાથે હાજર હતો. અમિતની કાર આવતાં જ ગલસરે અને ટોળકીએ આ કારને રોકી તપાસ કરતાં દારૂની બે બોટલો મળી આવી હતી.

દારૂનો બોટલો મળી આવતાં પ્રોહિબિશનનો કેસ નહીં કરવા માટે રૂા.ર૦ હજારની લાંચ લીધી હતી. ત્યાર બાદ કારને અવાવરુ જગ્યાએ ઊભી રખાવી ફરી વખત તપાસ કરવામાં આવતાં તોડબાજ કોન્સ્ટેબલ અને ટોળકીએ રૂપિયા લીધા બાદ અમિતને જવા દીધો હતો. જાે કે, ઉદપુર પહોંચતાં અમિતે કારમાં તપાસ કરતાં રોકડ રકમ, ગૂગલ પીક્સલ ફોન અને એપ્સ વોચ મળી આવી ન હતી જેથી તેને માંજલપુર પોલીસ મથકનો સંપર્ક કરી રમેશ ગલસરનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. રમેશ ગલસરને અમિતે ફોન કરી પોતાનો ફોન અને એપલ વોચ પરત કરી દેવા માટે જણાવ્યું હતું, પરંતુ તોડબાજ ગલસર એકનો બે થયો નહોતો. કોન્સ્ટેબલની આ કરતૂતોથી કંટાળી ગયેલા અમિતકુમારે વડોદરાના તત્કાલીન પોલીસ કમિશનર આરી.બી.બ્રહ્મભટ્ટ અને એસીપી એસ.બી.કુપાવતને ઈમેઈલ મારફતે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે કોન્સ્ટેબલ રમેશ ગલસર સામે તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી અને તોડબાજ કોન્સ્ટેબલના કારણે સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાઈ હોવાથી સજાના ભાગરૂપે કચ્છ-ભૂજ પશ્ચિમ ખાતે તેની બદલી કરી દેવામાં આવી હતી, જ્યાં બદલી કરાયા બાદ તોડબાજ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવશે.