વડોદરા

ગોત્રી ચાર રસ્તાથી નીલામ્બર સર્કલ તરફ જવાના રસ્તે આવેલી વૈભવી હોટલ બહાર રાત્રે ૮ વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસનુ ટાયર ટુ-વ્હીલર ચાલકના માથા પર ફરી વળ્યું હતુ. જેથી વાહન ચાલકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા અનિલભાઇ શાહ ગોત્રી સ્થિત ગંગોત્રી એપાર્ટમેન્ટ ખાતે પોતાની લેબોરેટરી ધરાવે છે. આજે ૮ વાગ્યાની આસપાસ પોતાની ટુ-વ્હીલર મોપેડ લઇ ઘરે જવા માટે નિકળ્યા હતા. અનિલભાઇ નિત્યક્રમ મૂજબ ગોત્રી ચાર રસ્તા થઇ પોતાના ઘરે જવા માટે નિકળ્યાં હતા. ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશન પાસે આવેલી તારાસન્સ હોટલ બહાર પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે મોપેડ ચાલક અનિલભાઇનો અકસ્માત સર્જાયો હોવાનુ માનવામાં આવી રહ્યું છે. જાેકે અકસ્માતમાં અનિલભાઇ નિચે પટકાતા લકઝરી બસનુ પાછલુ ટાયર તેમના માથા ઉપર ફરી વળતા તેઓનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.