અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચટીમે કોલ્હાપુર જિલ્લાના સ્પે. યુનીટની મદદથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફીયા અફાકબાવાને મહારાષ્ટ્ર- કર્ણાટકની બોર્ડરેથી ઝડપી લીધો છે. અફાકબાવાનો પુત્ર ફિદા ફરાર છે. શહેઝાદ અને ઇમરાન અજમેરીને આરોપી અફાકબાવા એમ.ડી ડ્રગ્સ આપતો હોવાનું ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા અને પોસઇ એ.પી.જેબલિયાની ટીમે કોલ્હાપુર સ્પેશ્યલ યુનીટની મદદથી અફાક એહમદ ઉર્ફે અફાકબાવા ઉર્ફે અસ્ફાક બાવા ઉર્ફે આફત બાવા ઉંમર કારોલને ઝડપી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કિનાલે ગામના વતની અફાકબાવા હાલમાં સીતાફળવાડી, લાઈટ હાઉસ બિલ્ડીંગ મંજગાવ, મુંબઈમાં રહે છે. અફાકબાવા અને તેના પુત્ર ફિદાએ એમ.ડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ચાર દિવસ અગાઉ પકડાયેલા આરોપી શહેઝાદ તેજાબવાલા અને ઇમરાનની પૂછપરછમાં ખુલ્યું હતું.  

શહેઝાદ ૨૦૧૯માં પકડાયો ત્યારે પણ અફાકબાવાનું નામ ખુલ્યું હતું. અફાકબાવા ક્રાઇમ બ્રાન્ચના બે કેસ તેમજ ડ્ઢઇૈંએ ઝડપેલા ૫૦ કિલો મેફેડ્રોન કેસમાં પણ વોન્ટેડ હતો. ચાર દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે શહેઝાદ તેજાબવાલા, ઇમરાન અજમેરી, પોલીસ કર્મચારી ફિરોઝ નાગોરીને રૂ.૧ કરોડના મેફેડ્રોન મુદ્દે પકડ્યાં હતાં. શહેઝાદે આ જથ્થો અફાકબાવા અને ફિદાએ આપ્યાનું જણાવ્યું હતું. આરોપી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકની બોર્ડર પર ફરતો રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીને કોલ્હાપુર યુનીટની મદદથી ઝડપ્યો હતો.પોલીસે ૪ દિવસ અગાઉ વડોદરા એક્સપ્રેસ વે પરથી જમાલપુર હજારીની પોળમાં રહેતાં એએસઆઇ ફિરોઝ મહંમદખાન નાગોરી, મહંમદ આરીફ ઉર્ફ મુન્નો જમાલુદ્દીન કાઝી અને ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહિમ પઢીયારને રૂ.૧ કરોડના મેફેડ્રોન સાથે ઝડપ્યાં હતાં.