MS Dhoni Birthday: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) 39માં જન્મદિવસ છે.માહી અને કેપ્ટન કૂલના નામથી જાણીતા ધોનીનો જન્મ સાત જુલાઇ 1981માં રાંચીમાં થયો હતો. ધોની ઝારખંડનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે.

ધોની એક દાયકાથી પણ વધુ સમય સુધી વિકેટકીપર,બેટ્સમેન, કેપ્ટન અને દરેક ભૂમિકામાં ફિટ રહ્યો છે. એમએસ ધોનીએ ક્રિકેટની દુનિયામાં એક એવી છાપ છોડી છે જે આવનારા સમય સુધી યથાવત રહેશે.

વિશ્વના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંહ ધોનીએ ગત વર્ષે વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયા માટે કોઇ મેચ રમી નથી. આ વચ્ચે ધોનીના સંન્યાસને લઇને ઘણી ચર્ચાઓ થઇ. જોકે, ધોનીએ ખુદ હજુ સુધી પોતાના સંન્યાસને લઇને કોઇ નિવેદન આપ્યુ નથી. હવે મોટો સવાલ તે છે કે શું ધોની ટીમ ઇન્ડિયામાં વાપસી કરશે અથવા પછી 2019ની તે મેચ તેના કરિયરની અંતિમ ઇન્ટરનેશનલ મેચ બની જશે? જોકે, લાખો-કરોડો ફેન્સ ધોનીને ક્રિકેટના મેદાન પર ફરી જોવા માંગે છે.

ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 38.09ની એવરેજથી 4,876 રન બનાવ્યા છે, ધોનીએ ત્યાર સુધી 350 વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 50.57ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે.

ધોનીએ ભારત માટે 98 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 37.60ની એવરેજથી 1,617 રન બનાવ્યા છે. દરમિયાન અમે તમને મહેન્દ્રસિંહ ધોની સાથે જોડાયેલી 10 મહત્વની વાતો વિશે જણાવી રહ્યા છીએ.

મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ કરિયર 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશની ધરતી પર પ્રારંભ થયો હતો. ધોનીની કરિયરની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ધોનીએ પોતાની પ્રથમ વન ડે મેચમાં 0 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ મેચમાં તે 7 નંબર પર બેટિંગ માટે ઉતર્યો હતો અને પ્રથમ બોલ પર જ રન આઉટ થઇ ગયો હતો. ધોનીએ પોતાની ટેસ્ટ ક્રિકેટની શરૂઆત શ્રીલંકા વિરૂદ્ધ 2 ડિસેમ્બર 2005માં કરી હતી. આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ધોનીએ 11 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ પોતાની પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલ મેચ 1 ડિસેમ્બર 2006માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જ્હોનિસબર્ગમાં રમી હતી. આ મેચમાં ધોની ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ધોની 2004માં પોતાની ડેબ્યૂ મેચમાં ઝીરો પર આઉટ થયો ત્યારે કોઇએ વિચાર્યુ નહતું કે આ ખેલાડી એક દિવસ આવુ નામ કમાશે પરંતુ ડેબ્યૂ બાદ પાંચમી મેચમાં ધોનીએ પાકિસ્તાન વિરૂદ્ધ 148 રનની ઇનિંગ્સ રમી પુરી દુનિયાને પોતાના આવવાના સમાચાર આપી દીધા હતા.

મહેન્દ્રસિંહ ધોનીએ આધુનિક ક્રિકેટને પોતાના નજરીયાથી જોવાનું શરૂ કર્યુ હતું. ધોની નવા અને નાના શહેરોમાંથી આવેલા યુવાઓને તક આપી અને તેમણે ખુદને સાબિત કરવા માટે સ્ટેજ આપ્યુ હતું. ભારતીય ક્રિકેટ ટીમમાં ફિલ્ડિંગ અને ફિટનેસને મહત્વ આપ્યુ. ધોનીએ પોતાના ટ્રેડમાર્ક હેલિકોપ્ટર શોટથી દુનિયામાં અલગ ઓળખ બનાવી હતી, તેનો આ શોટ પુરી દુનિયામાં જાણીતો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 2007માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. ધોનીએ ભારતીય ક્રિકેટમાં એક નવી ઉર્જા ભરી, ધોનીની કેપ્ટન્સીમાં ભારતે કેટલીક મોટી ટૂર્નામેન્ટ જીતી અને તેની શરૂઆત ટી-20 વર્લ્ડકપથી થઇ હતી. 2007માં પાકિસ્તાનને ફાઇનલમાં હરાવીને ધોનીએ પ્રથમ ટી-20 વર્લ્ડકપ ભારતને જીતાડ્યો હતો. તે બાદ ધોનીનું મહત્વ વધતુ ગયુ અને વન ડે અને ટેસ્ટની કેપ્ટન્સી પણ મળી ગઇ. પહેલા ટેસ્ટમાં અને પછી વન ડેમાં ભારતને ટોપ પર પહોચાડ્યુ.

1983માં પ્રથમ વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને 28 વર્ષ પછી ફરી એક વખત ધોનીએ વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યુ. ધોનીની કેપ્ટન્સીમાં જીતની શરૂઆત બાંગ્લાદેશને બાંગ્લાદેશની ધરતી પર હરાવીને કરી હતી. તે બાદ આયરલેન્ડ, નેધરલેન્ડ, વેસ્ટઇન્ડીઝને હરાવી ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોચ્યુ. જ્યા ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો અને ટીમ ઇન્ડિયાએ કાંગારૂઓને 5 વિકેટે હરાવી દીધા હતા. તે બાદ સેમિ ફાઇનલમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 29 રને હરાવી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને ભારત 28 વર્ષ પછી બીજો વર્લ્ડકપ ધોનીની કેપ્ટન્સીમાં જીતી લીધો હતો.

2011 બાદ ભારતીય ટીમ હવે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ બની ગઇ હતી અને ધોની કરોડો હિન્દુસ્તાનીઓના દિલો પર રાઝ કરવા લાગ્યો હતો. ધોનીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર જ નહી પણ કરોડો ક્રિકેટ પ્રેમીઓનું સ્વપ્ન પૂર્ણ કર્યુ હતું. ધોનીએ માનતા માની હતી કે વર્લ્ડકપ જીત્યા બાદ તે પોતાનું માથુ મુંડાવી લેશે જોકે, વર્લ્ડકપ જીતવાના બીજા દિવસે તેને પોતાની માનતા પુરી કરી હતી. પહેલા ધોનીએ દક્ષિણ આફ્રિકામાં 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ પણ પોતાના લાંબા વાળને કપાવીને નાના કરી નાખ્યા હતા.

ધોનીનો પ્રથમ પ્રેમ ફૂટબોલનો રહ્યો છે. તે પોતાની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતો. ધોની પોતાના સ્કૂલના દિવસોમાં ક્લબ અને રાજકીય સ્તર પર ફૂટબોલ રમી ચુક્યો છે. ફૂટબોલનો પ્રેમ જગ જાહેર છે અને તે આ વિશે કેટલીક વખત જણાવી પણ ચુક્યો છે. ધોનીને ક્રિકેટની સાથે ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, સ્નૂકર, મોટર રેસિંગ જેવી સ્પોર્ટ્સ પણ પસંદ છે.

30 ડિસેમ્બર 2014માં ધોનીએ ટેસ્ટ ટીમમાંથી અચાનક સંન્યાસ લઇ લીધો હતો. ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં દુનિયાની નંબર વન ટીમ બની હતી. જે બાદ વિરાટ કોહલી ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો. ટીમ ઇન્ડિયા તે સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. બન્ને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ હતી. મેચ ડ્રો થઇ હતી અને આ ટેસ્ટ બાદ ધોનીએ સૌને ચોકાવતા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

ટી-20 અને વર્લ્ડકપ જીતાડ્યા બાદ ધોનીની નજર મિની વર્લ્ડકપ ગણાતા ચેમ્પિયન્સ ટ્રોફી પર હતી. 2013માં ધોનીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ફાઇનલ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની ફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિઘમમાં રમાઇ હતી અને વરસાદને કારણે 20 ઓવરની મેચ કરવામાં આવી હતી. રોમાંચક બનેલી આ મેચને ભારતે ધોનીની કેપ્ટન્સીમાં જીતી લીધી હતી.

ધોનીએ વન ડે અને ટી-20માંથી 4 જાન્યુઆરી 2017માં કેપ્ટન્સી છોડી દીધી હતી. આ રીતે કેપ્ટન કૂલનું ગોલ્ડન એરા પણ પૂર્ણ થઇ ગયુ હતું. ધોનીએ કુલ 199 વન ડે અને 72 ટી-20 મેચમાં કેપ્ટન્સી કરી હતી. રિકી પોન્ટિંગ અને સ્ટીફન ફ્લેમિંગ બાદ ધોની એકમાત્ર એવો ખેલાડી છે જેને પોતાના દેશ માટે સૌથી વધુ વન ડે મેચમાં કેપ્ટન્સી કરી છે. ધોનીએ ઇઁગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સિરીઝ શરૂ થવાના 11 દિવસ પહેલા જ કેપ્ટન્સી છોડીને તમામને ચોકાવી દીધા હતા.

મહેન્દ્રસિંહ ધોનીના નામે એમ તો ઘણા રેકોર્ડ્સ છે પરંતુ એક એવો રેકોર્ડ પણ છે જે કોઇ માટે તોડવો મુ્શ્કેલ છે. કોઇ પણ કેપ્ટન માટે હવે આ રેકોર્ડ તોડવો એટલા માટે મુશ્કેલ છે કારણ કે આઇસીસીએ 2017 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આ ટૂર્નામેન્ટને જ પૂર્ણ કરી દીધી છે. હવે કોઇ અન્ય કેપ્ટન વર્લ્ડ ટી-20, વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી ત્રણેય ખિતાબ નહી જીતી શકે. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે, જેની કેપ્ટન્સીમાં ટીમે ત્રણેય આઇસીસી ટ્રોફી જીતી છે. 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011 વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી.