મહુધા, તા.૭ 

ખુંટજમાં સોમવારની રાત્રીના આઠ વાગ્યાની આસપાસ પ્રજાપતિ વાસમાં સ્થાનિક સિકંદરભાઇ કરીમભાઇ મલેક ટ્રેક્ટરમાં જલાઉ લાકડા ભરીને પહોંચ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ચાલક યુવકે રિઝવાનભાઇ સિરાજભાઇ વ્હોરાના ઘર આગળ બનાવેલાં ખારકૂવા પરના માટીના ઢગલાં પર ટ્રેક્ટર ચઢાવીને નીકળ્યો હતો, જેથી રિઝવાનભાઇ વ્હોરાએ ઇકબાલને ગમે તેમ ગાળો બોલી અને કહ્યું કે, મારાં ઘર આગળ આવેલાં માટીના ટેકરાં ઉપરથી તારું ટ્રેક્ટર કેમ લઇ ગયો? ઇકબાલની ફેંટ પકડી મારવા ફરી વળ્યાં હતાં, જેથી સિકંદરભાઇ મલેકના ભત્રીજા ઇકબાલભાઇ અલ્લાઉદ્દીન ઊર્ફે જેણાભાઇ મલેક તેઓને છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. જ્યાં રિઝવાનભાઇ વ્હોરાનું ઉપરાણું લઇ અન્ય પાંચ ઇસમોએ ઇકબાલને ગળદાપાટુંનો માર મારી અને તેને ઊંચકીને તેઓના ઘર બહાર આવેલાં ઓટલાં પર લઇ જઇ પાડી દીધો હતો. રિઝવાનભાઇ વ્હોરા અને સિરાજભાઇ વ્હોરાએ ઇકબાલનું ગળું દબાવ્યું તેમજ અન્ય ચાર ઇસમોએ ઇકબાલને ગળદાપાટુંનો માર મારી ઇજાઓ પહોંચાડતા તે બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો. તાબડતોબ ઇક્બાલને તેનાં કાકા સિકંદરભાઇ મલેક ખાનગી વાહનમાં સારવાર અર્થે લઇ જવા નીકળ્યાં હતાં, પરંતુ ઘટના સ્થળે જ ઇકબાલનું મોત નીપજતાં તેનાં મૃતદેહને મહુધા સીએચસી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ ઇકબાલના મૃત્યુની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જતાં મૃતકના મિત્રોમા ભારે રોષે ફાટી નીકળ્યો હતો. તેઓ સામા પક્ષના ઘરે પથ્થરો અને લાકડીયોથી હુમલો કરવા પહોંચી ગયાં હતાં. સલમાબેન સિરાજભાઇ વ્હોરાએ મહુધ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિકંદરભાઇ જેણાભાઇ મલેક તેઓના ઘર આગળ બનાવેલાં ખારકૂવા ઉપરની માટીના ટેકરાં ઉપર લાકડાં ભરેલું ટ્રેક્ટર ચઢાવી દીધું હતું, જેથી તેઓના પતિ સિરજભાઇ અને તેમનાં પુત્ર રિઝવાને ટ્રેક્ટર માટીના ટેકરાં પર ચઢાવવા બાબતે સિકંદરભાઇ મલેકને ઠપકો આપતાં હતાં. સિકંદરભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ તેઓનાં પતિ સિરાજભાઇને મારવા ફરી વળતાં રિઝવાન પોતાનાં પિતાને છોડાવવા વચ્ચે પડ્યો હતો. જ્યાં ઇકબાલભાઇ જેણાભાઇ મલેક પોતાના હાથમાંની લાકડીથી ઝાપોટ મારી હતી. એટલું જ નહિ, પરંતુ વધુ માર મારવા માટે ઇકબાલ સલમાબાનું વ્હોરાના ઘરની બહારના ઓટલાં ઉપર દોડી આવતાં લપસી પડ્યો હતો. નીચે પડી જતાં બેભાન થઇ ગયો હતો, જેથી સિકંદરભાઇ ઇકબાલને પોતાની બોલેરો ગાડીમાં લઇ ગયાં હતાં. ત્યાર બાદ સલમાબેન વ્હોરાએ પોતાના ઘરે જઇ બારી બારણા બંધ કરી લીધાં હતાં. તે સમયે સામે પક્ષના આઠ જેટલાં ઇસમોએ સલમાબેનના ઘર આગળ આવી ગાળો બોલવા લાગ્યાં હતાં. ઘર ઉપર છુટા પથ્થરો ફેંકી બારી બારણાંને તથા તેઓના ઘર આગાળ મૂકેલી ઇકો ગાડી અને મારુતિ ફ્રંટી ગાડી ઉપરાંત પલ્સર બાઇક સહિતના વાહનોની તોડફોડ કરી હતી.

મૃતક તરફથી સિકંદરભાઇ કરીમભાઇ મલેકે કરેલી ફરિયાદમાં કોના કોના નામ છે?

રિઝવાનભાઇ સિરાજભાઇ વ્હોરા, સિરાજભાઇ હસનભાઇ વ્હોરા, સલમાબેન સિરાજભાઇ વ્હોરા, સફાનભાઇ સિકંદરભાઇ વ્હોરા, સાહિલભાઇ સિકંદરભાઇ વ્હોરા, સોહિલભાઇ નજીરભાઇ વ્હોરા (તમામ રહે.ખુંટજ).

પથ્થરમારો અને તોડફોડ કરનાર ઇસમોમાં કોના કોના નામ છે?

સિકંદરભાઇ કરીમભાઇ મલેક, ઇકબાલભાઇ જેણાભાઇ મલેક, સલીમભાઇ ઇસામભાઇ મલેક, ઇકબાલભાઇ ગલુભાઇ મલેક, ટીનાભાઇ બચુભાઇ મલેક, ઇરફાનભાઇ જેણાભાઇ ઊર્ફે ભોલુ મલેક, સલીમભાઇ સિકંદરભાઇ મલેક, યુસુબભાઇ પેંડાલાલ, હુકાભાઇ તાજીવાડા, અહેમદ દાઢી (તમામ રહે.ખુંટજ).