વડોદરા : રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને છેલ્લા ૫૦ વર્ષ ઉપરાંત સમયથી લડનાર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને એનએફઆઈઆરના ઉપાધ્યક્ષ જે.જી.માદુરકરનું ૮૬ વર્ષની વયે હૃદય રોગના હુમલામાં નિધન થયું હતું.  

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણે જણાવ્યું હતું કે, મોડી રાત્રે માદુરકર દાદાના પરિવારમાંથી ફોન આવ્યો હતો કે, દાદાને ગભરામણ થાય છે. તેથી તુરંત તેમના નિવાસ્થાને જઈને તુરંત રેલવેના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી તેમને રેલવે સાથે ટાયઅપ થયેલી ટ્રાઈકલર હોસ્પિટલમા લઈ ગયા હતા. પરંતુ ૩૦ થી ૩૫ મિનિટ સુધી હોસ્પિટલના તબિબ સ્ટાફે કોઈ રિસ્પોન્સ જ ન આપ્યો અને કારમાં જ દાદાએ અંતિમ શ્વાસ લીધા હતા.

૧૯૭૭થી વેસ્ટર્ન રેલવે મજદુર સંઘના ડિવિઝનલ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ પાંચ દાયકાથી રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને લડતા રહ્યા હતા. તેઓ એનએફઆઈઆરના ઉપાધ્યક્ષ પદે પણ કાર્યરત હતા. પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષના અગ્રણી તરીકે પણ સફળતા પૂર્વક કામગીરી કરી હતી. દાદાના હુલામણા નામથી ઓલખાતા દાદાના મૃતદેહને રેલવે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.જ્યારે તેમના નિવાસ્થાને ડી.આર.એમ. સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ, શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષના નેતા સહિત અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. બપોર બાદ તેમના નિવાસ્થાનેથી અંતિમ યાત્રા ખાસવાડી સ્મશાન પહોંચી હતી.