આણંદ : આણંદ શહેરની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ ગેરરીતિ આચરવામાં બધાને પાછળ છોડી દીધાં છે. આ દુકાનદારોએ હાઇટેક ટેક્‌નોલોજી વાપરીને નકલી ફિંગર પ્રિન્ટ બનાવી સરકારી અનાજ સગેવગે કરતાં હતાં! આણંદ શહેરના વાજબી ભાવની નવ દુકાનના સંચાલકોએ રેશનકાર્ડ ધારકોની નકલી ફિંગરપ્રિન્ટ બનાવી સરકારને ચૂનો ચોપડતાં હોવાનું સામે આવ્યું છે. જે રેશનકાર્ડ ધારકો રેશનિંગનું અનાજ લેવા ન આવ્યાં હોય તેની જાણ બહાર તેમનાં રેશનકાર્ડ પર ખોટાં બિલ બનાવી સરકારી અનાજ બારોબાર સગવગે કરી રહ્યાં હતાં. આ ગુના હેઠળ અમદાવાદની સાયબર ક્રાઇમ પોલીસે આણંદ શહેરના નવ દુકાનદારોની સંડોવણી હોવાનું જણાઇ આવતાં ધરપકડ કરવામાં આવી હતી.  

સૂત્રોના જણાવ્યાં મુજબ,અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસના અહેવાલને ધ્યાને લઇ જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ જાહેર વિતરણ વ્યવસ્થાને ખોરવી નાખી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાથી સુરક્ષિત રેશનકાર્ડ ધારકોના હક્કનું અનાજ સગેવગે કરવાના ગુનામા સંડોવાયેલાં નવ દુકાનદારોના પરવાના તાત્કારલિક અસરથી ૯૦ દિવસ માટે મોકૂફ કર્યા હતા. ત્યારબાદ જિલ્લા પૂરવઠા અધિકારીએ આણંદ શહેર મામલતદાર કેતનભાઇ રાઠોડના નેતૃત્વ‍માં ચાર ટીમો બનાવી આણંદ શહેરની આ નવ દુકાનદાર સંચાલકોની વિગતવાર તપાસ કરવા અંગેનો હુકમો કર્યા હતા.

આ ટીમમાં જિલ્લા પૂરવઠા અધિકારી કચેરીના મુખ્ય પૂરવઠા નિરીક્ષક વી.એમ. પટેલ, પી.એમ.પટેલ, હેડ કલાર્ક રણજીતભાઇ ભરવાડ, નાયબ મામલતદાર (પુ) આણંદ શહેર બિપીનભાઇ શાહ તથા અન્યર કર્મચારીઓની ચાર ટીમ દ્વારા આ નવ દુકાનદારોના કુલ રેશનકાર્ડ ધારકો તથા તેમના દ્વારા વાજબી ભાવની દુકાન પરથી લેવામાં આવેલાં જથ્થા અંગેની વિગતવાર અને સઘન તપાસ કરવામાં આવી હતી.

આ ચાર ટીમો દ્વારા તપાસ પૂર્ણ થતાં આણંદ શહેરના મામલતદાર કેતનભાઇ રાઠોડે જિલ્લા પૂરવઠા અધિકારીને આણંદ શહેરની આ નવ દુકાનો દ્વારા આચરવામાં આવેલી વિવિધ ગંભીર ગેરરીતિઓને ધ્યાને લઇને શિક્ષાત્મણક કાર્યવાહી કરવાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલના આધારે આણંદ શહેરની આ નવ દુકાનદારોના સંચાલકોને કારણદર્શક નોટિસ પાઠવી સુનાવણી યોજવામાં આવી હતી. આ તમામ વિગતોને ધ્યાને લઇ નવ દુકાનદારોના સંચાલકો દ્વારા નકલી ફિંગરપ્રિન્ટ બનાવી રેશનકાર્ડ ધારકોનો જથ્થો બારોબાર સગેવગે કરી જાહેર વિતરણ વ્યવસ્થાને ખોરવી પડવાની ગંભીર પ્રવૃત્તિ ક હોવાનું સાબિત થયું હતું. નવ દુકાનદારોના પરવાના કાયમી ધોરણે જિલ્લા પૂરવઠા અધિકારીએ રદ કર્યા છે.

આ તપાસમાં નવ દુકાનદારોની દુકાનની ટીમો દ્વારા વિગતવાર તપાસના અંતે એવું બહાર આવ્યું હતું કે, આ દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને નિયત જથ્થાથી ઓછો જથ્થો આપવામાં આવતો હતો. તેમજ તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકો મળી આવ્યા ન હતાં, જેથી રેશનકાર્ડ ધારકોને ઓછો જથ્થો આપી તેમનાં હક્કનું અનાજ સગેવગે કરવા તેઓને તેમના અધિકારથી વંચિત રાખ્યાં હોવાનું જણાઇ આવ્યું હતું. તપાસમાં જે રેશનકાર્ડ ધારકો નિવેદન આપવા માટે આવ્યા ન હોય કે મળી ન આવ્યા હોય તેવા શંકાસ્પદ રેશનકાર્ડ ધારકોનો પણ જથ્થો બારોબાર સગેવગે કરતાં હોવાનું પણ જણાઇ આવ્યું હતું, જેથી આવા કિસ્સામાં ઓછો અપાયેલો જથ્થો અને મળી ન આવેલાં રેશનકાર્ડ ધારકોના વિતરણ થયેલાં જથ્થાની બજાર કિંમત અને વાજબી ભાવની દુકાનની વિતરણ થયેલી કિંમતના તફાવતની રકમની બમણી રકમ મુજબ નવા દુકાનદારોને રૂ. ૫૪,૯૨,૭૨૩નો દંડ તથા પરવાના અનામતની રકમ રૂ.૪૫,૦૦૦ મળી કુલ રૂ.૫૫,૩૭,૭૨૩નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

કોણ છે આ ૯ દુકાનદારો!?

આણંદ શહેરના સસ્તા અનાજની નવ દુકાનદારોના સંચાલકો જાેઈતારામ કે. સરગરા, રમેશચંદ્ર એફ.મોહનાની, પ્રફુલભાઇ એમ. ઠાકોર, ચેનતકુમાર એમ. તુલસાણી, મનહરભાઇ કે. સોલંકી, મેનેજર, રેલવે એમ્પ્લોયઝ યુનિયન ક.કો.ઓ.સો.લિ., વિનોદભાઇ આર. વાઘેલા, દિલીપભાઇ એન. પટેલ અને ગંગારામ એસ. વસાવાનો સમાવેશ થાય છે. કોને કેટલો દંડ ફટકારાયો?

• રમેશચંદ્ર એફ. મોહનાનીને રૂ. ૧૧,૪૫,૬૩૧ અને રૂ. પાંચ હજાર મળી કુલ રૂ. ૧૧,૫૦,૬૩૧,

• પ્રફુલભાઇ એમ. ઠાકોરને રૂ.૩,૬૫,૯૨૩ અને પાંચ હજાર મળી કુલ રૂ.૩,૭૦,૯૨૩

• ચેનતકુમાર એમ. તુલસાણીને રૂ.૩,૩૫,૮૪૪ અને રૂ. પાંચ હજાર મળી કુલ રૂ.૩,૪૦,૮૪૪

• મનહરભાઇ કે. સોલંકીને રૂ.૩,૬૩,૨૬૭ અને રૂ.પાંચ હજાર મળી કુલ રૂ.૩,૬૮,૨૬૭

• મેનેજર, રેલવે એમ્પ્લોય ક.કો.ઓ.હા.સો.લિ.ને રૂ.૨,૦૭,૬૪૭ અને રૂ. પાંચ હજાર મળી કુલ રૂ.૨,૧૨,૬૪૭

• વિનોદભાઇ આર. વાઘેલાને રૂ.૭,૯૦,૮૨૨ અને રૂ.પાંચ હજાર મળી કુલ રૂ.૭,૯૫,૮૨૨

• દિલીપભાઇ એન. પટેલને રૂ.૭,૬૪,૬૬૧ અને રૂ.પાંચ હજાર મળી કુલ રૂ.૭,૬૯,૬૬૧

• ગંગારામ એસ. વસાવાને રૂ.૪,૬૪,૦૦૮ અને રૂ.પાંચ હજાર મળી કુલ રૂ.૪,૬૯,૦૦૮