કોલકત્તા-

તૃણમુલ કોંગ્રેસના નેતા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પૂરજાેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે એક ચૂંટણી રેલીમાં મમતાએ ગૃહ મંત્રી અમિત શાહ પર જ નિશાન સાધીને આક્ષેપ કર્યો હતો કે, અમિત શાહ કોલકાતામાં બેસીને બંગાળના સકારી અધિકારીઓ સામે કાવતરુ રચી રહ્યા છે. અહીંયા બિઝનેસમેનને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.એ લોકો જાણે છે કે, ગમે તે થશે મમતા બેનરજીને રોકી નહીં શકાય, અમિત શાહ શું સમજી રહ્યા છે, ચૂંટણી આયોગ કોણ ચલાવી રહ્યુ છે, શું અમિત શાહ તો ચૂંટણી પંચ નથી ચલાવી રહ્યાને ?

મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, ચૂંટણી પંચના કામમાં અમિત શાહ હસ્તક્ષેપ કરી રહ્યા છે.મારી સુરક્ષા સંભાળતા અધિકારીને હટાવી દેવાયા છે.બહારના આ નેતાઓ આપત્તિ સમયે તો બંગાળમાં આવતા નથી.તેમણે એલાન કર્યુ હતુ કે, બહારના ગુંડાઓ ચૂંટણી યોજે તે ચલાવી નહી લેવાય અને અમારા કાર્યકરો રોજ ૧૮ કલાક કામ કરીને ભાજપના લૂંટારાઓને સત્તા પર આવવા નહીં દે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મારી હત્યા કરવા પર પણ ભાજપ જીતી નહીં શકે.ચૂંટણી સમયે ભીડ ભેગી કરવા માટે અને મત લેવા માટે ભાજપ પૈસા વહેંચી રહ્યુ છે.