તાલાલા, ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના આંકોલવાડી ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે મામલતદારે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. ત્યારે તેમને જાેઈ ખનીજચોરો નાસી ગયા હતા, જેથી સ્થળ પરથી પથ્થર કાપવાની બે ચકરડીઓ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સૂત્રો અનુસાર જિલ્લાના તાલાલા તાલુકામાં ગીરના જંગલની બોર્ડર નજીક આવેલા આંકોલવાડી ગીર અને વાડલા ગીર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન કરી ખનીજની ચોરી થતી હોવાની તાલાલાના મામલતદાર દીશુભાઈ ગીડાને ફરિયાદ મળી હતી. જેના આધારે પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર, સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી મંત્રી સહિતની ટીમે ફરીયાદના સ્થળ ઉપર દોડી જઈ દરોડો પાડ્યો હતો. ત્યારે સરકારી જમીનમાંથી ચકરડી વડે ગેરકાયદેસર પથ્થર કાપી ખનીજ સંપત્તિની ચોરી થઈ રહ્યાનું સામે આવ્યું હતું. ટીમના દરોડાને પગલે ખનીજ ચોરી કરતા લોકો નાસી ગયા હતા. જેથી મામલતદારની ટીમે બનાવના સ્થળનું રોજકામ કરી પથ્થર કાપવાની બે ચકરડી કબજે કરી પોલીસને સોંપવાની કાર્યવાહી કરી હતી. આંકોલવાડી ગીર વિસ્તારમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર ચાલતી કથિત પ્રવૃત્તિના કરેલા પંચનામા સાથે સરકારી જમીનમાંથી કેટલા પથ્થરની ચોરી થઇ છે તે અંગે જરૂરી તપાસ સાથે આગળની કાર્યવાહી કરવા મામલતદારે પકડી પાડેલી ખનન ચોરીનો અહેવાલ ભુસ્તર શાસ્ત્રીને મોકલવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તાલાલા ગીર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે ગેરકાયદેસર રીતે બેરોકટોક તંત્રની રહેમ નજર હેઠળ ખનીજની ચોરી થઈ રહી છે.