કોલકાત્તા-

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીને ફરી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ટીએમસીના પાંચ ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જે ટીએમસી નેતાઓએ મમતા બેનર્જીનો સાથ છોડ્યો છે તેમાં સોનાલી ગુહા, દીપેન્દૂ બિસ્વાસ, રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટૂ લાહિડી, શીતલ સરદાર અને હબીબપુરથી ટીએમસી ઉમેદવાર સરલા મુર્મૂ સામેલ છે.

આ બધા સોમવારે પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, શુભેંદુ અધિકારી અને મુકુલ રોયની આગેવાનીમાં ભાજપમાં જાેડાયા છે. રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય ૨૦૦૧થી સિંગુર વિધાનસભા સીટથી ટીએમસી ધારાસભ્ય રહ્યા છે. તેઓ સિંગુરના મુખ્ય ચહેરાઓમાંથી એક છે. આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી.

ટીએમસી ૨૯૧ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે, જેમાં ૫૦ મહિલાઓને ટિકિટ આપવામાં આી છે. ૨૦૧૬મા પાર્ટીએ ૪૫ મહિલાઓને ઉમેદવાર બનાવી હતી. આ વખતે પાંચ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. ટિકિટ અપાયા પહેલા પણ ઘણા દિગ્ગજ નેતાઓ ટીએમસીનો સાથ છોડી ચુક્યા છે.

મહત્વનું છે કે બંગાળ વિધાનસભાની ૨૯૪ સીટો માટે આઠ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં ૩૦ વિધાનસભા સીટો માટે ૨૭ માર્ચે મતદાન થશે. તો એક એપ્રિલે બીજા, ૬ એપ્રિલે ત્રીજા, ૧૦ એપ્રિલે ચોથા, ૧૭ એપ્રિલે પાંચમાં તબક્કા માટે મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં ૨૨ એપ્રિલે, સાતમાં તબક્કામાં ૨૬ એપ્રિલ અને અંતિમ તબક્કા માટે ૨૯ એપ્રિલે મતદાન થશે. મતગણના ૨ મેએ થશે.