માંડવી, તા.૨૬ 

વાપી - શામળાજી રોડ પર આવેલ ફેદરિયા ચોકડી થી શરૂ થતા ઉકાઈ - શેરુલા રોડની હાલમાં અત્યંત બિસ્માર હાલત થઈ જતા વાહનચાલકો થી લઈ સ્થાનિક રાહદારીઓ માટે પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફેદરિયા ચોકડી થી લઈ ઉકાઈ - શેરુલા તરીકે ઓળખાતા માર્ગ પર હાલમાં મસમોટા ખાડાઓ પડવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માર્ગ સમારકામની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેથી દિનપ્રતિદિન માર્ગ અત્યંત જર્જરિત બની રહ્યો છે.

અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ આ અત્યંત અવદશા પામેલા માર્ગથી પરિચિત હોવા છતાં પણ જાણે નજર અંદાજ કરી રહેતા તંત્ર પણ જાણે કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે. અત્યંત જર્જરિત હાલતના આ માર્ગ પરથી રાહદારીઓએ પણ પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. વરસાદી માહોલમાં પાણી ભરાતા ખાડાથી અજાણ્યા વાહન ચાલકો માર્ગ પર પડવાની ઘટના બની રહી છે. તો પાણી ભરેલા ખાડામાં વાહનો પડતા વાહનને પણ મોટું નુકસાન થતું હોય છે ત્યારે જવાબદાર તંત્ર ટ્રાફિક વાળા આ માર્ગની મરામત કરાવે તેવી લોક માંગ ઊભી થઈ છે.

ફેદરિયા ચોકડી થી લઈ ઉકાઈ - શેરુલા માર્ગ પર મસમોટા ખાડાઓ પડવા છતાં તંત્ર દ્વારા માર્ગ સમારકામની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.