વડોદરા : વડોદરા શહેર નજીક આવેલ કોયલી ગામના હરિજનવાસમાં રહેતા રિફાઈનરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ૬૦ વર્ષીય વ્યક્તિ કોરોના સંક્રમિત બન્યા બાદ તેમને સારવાર માટે શહેરની સમરસ કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીને બી વોર્ડ રૂમ નં.ર૦પમાં દાખલ કરવામાં આવ્યા બાદ કોરોનાને લીધે સગાંસંબંધીઓને મળવા દેવામાં આવતા ન હતા, જેથી તે એકલતા અનુભવી રહ્યા હતા અને કંટાળી ગયા હતા. જેથી તે હરતા-ફરતા હોવાથી ગત તા.૧૨મીના રોજ હોસ્પિટલના ફરજ પરના સ્ટાફને કે સિકયુરિટીને જાણ કર્યા વગર વોર્ડમાંથી બહાર નીકળી લટાર મારવા હોસ્પિટલના કેમ્પસમાં નીકળ્યા હતા.

તેઓ કલાકો બાદ પણ પરત ન આવતાં આ અંગેની જાણ પરિવારજનોને કરવામાં આવતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં જે વોર્ડમાં દાખલ કર્યા હતા તે વોર્ડમાં તપાસ કરતાં તેઓ મળી આવ્યા ન હતા. જાે કે, પલંગ પાસે તેમના કપડાં, ચપ્પલ પડેલા મળી આવ્યા હતા અને તેમના પલંગ પર અન્ય એક દર્દી સૂતેલો જાેવા મળ્યો હતો. ગુમ થયેલ દર્દીના સગાઓએ હોસ્પિટલના વહીવટી સત્તાધીશો અને સુરક્ષાને મામલે ગંભીર આક્ષેપો કરી હોસ્પિટલના પ્રવેશદ્વારની બહાર હોબાળો મચાવ્યો હતો અને પોતાના દર્દીને શોધી આપવા માટે કાકલુદી કરી હતી. જાે કે, આ મામલે તબીબોએ ફતેગંજ પોલીસ મથકને ગુમ દર્દી અંગેની જાણકારી આપી હતી. તે બાદ દર્દીના સગાએ આખી રાત ભારે શોધખોળ કરતાં સમરસ હોસ્પિટલના મુખ્ય ગેટની બહાર બેઠેલા મળી આવ્યા હતા જેથી વોર્ડમાં પુનઃ દાખલ કરવામાં આવ્યા હતા.