રાજપીપળા, તા.૧૮ 

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જુનારાજમા વાવાઝોડા સાથે વરસાદને લીધે વૃક્ષો, વીજ પોલ અને વીજ વાયરો તૂટી પડ્યા હતા.છેલ્લા ૫-૬ દિવસથી ગામમા લાઈટો ન હોવાથી લોકોને ઘણી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ડુંગર અને જંગલ વિસ્તાર હોવાથી લાઈટો વિના રાત્રી દરમિયાન ઝેરી સરીસૃપો અને જંગલી પ્રાણીઓનો ખતરો લોકોને સતાવી રહ્યો હતો.

અંતે કંટાળી ગ્રામજનોએ પોતે જ વીજ સમસ્યા હલ કરવાનું નક્કી કર્યું.જુનારાજ ગામમાં ૬ દિવસથી લાઈટ ન હોવાના કારણે કંટાળીને ગામના વડીલો અને યુવાનો દ્વારા જોખમ ખેડી અને ઉખડી પડેલા વીજ થાંભલા જાતે ઉભા કર્યા, ઝાડવાને દૂર કરી તૂટી ગયેલા વાયરોનું જાતે જ સમાર કામ કર્યું.વરસાદ જેવો બંધ થાય કે તુરંત તેઓ આ કામગીરી ચાલુ કરી દેતા હતા.ગ્રામજનોના સાહસ અને ૨-૩ દિવસની મેહનત બાદ ૬ દિવસે ગામમા લાઈટો આવી હતી.

લોકો જણાવે છે કે જો અમે આ ફરિયાદ વીજ કંપનીને કરી હોત તો કર્મચારીઓ વરસાદનું અથવા ખરાબ રસ્તાનું બહાનું કાઢતા, જેથી અમે અત્યારે પણ લાઈટો વગર રહ્યા હોત.એ જ કારણોસર અમે જાતે જ અમારી સમસ્યાઓનું નિવારણ કરવા નક્કી કર્યું જાતે જોખમ ઉઠાવી સમારકામ કર્યું જેથી ગામમા વહેલી લાઈટો આવી શકી છે.અગાઉ ઘણી વાર આવી સમસ્યાઓ ઉભી થઈ હતી, અમે ફરિયાદ કરીએ તો લાંબા સમયે અમારી સમસ્યાનું નિવારણ આવતું હતું.