વડોદરા,તા.૧૧

શુક્રવારે સાંજથી શરૂ થયેલા વરસાદ ધોધમાર વરસ્યા બાદ શનિવારે બપોર સુધી ઝરમર ઝરમર વરસ્યો હતો.જાેકે, માત્ર ચાર ઇંચ વરસાદ વરસતાં અડધું વડોદરા પાણીમાં ડૂબી ગયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.જાેકે, વરસાદના વિરામ છતા બીજા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા લોકોએ પાલિકા તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

વડોદરામાંં શ્રીજી ના આગમન સાથે મેઘરાજાનું પણ ધમાકેદાર આગમન થયું હતું શુક્રવારે સમી સાંજ થી શરૂ થયેલો વરસાદ સતત બે કલાક સુધી ધોધમાર વરસ્યો હતો.અને ગણતરીના સમયમાં ચાર ઈંચ વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર ધુંટણ સમાં પાણી ભરાઈ જતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળ્યા હતા. તો બીજી તરફ મોટાભાગના વિસ્તારો ઘૂંટણ સમા પાણીમાં ગરકાવ થતા લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા. પરિણામે ઘરમાં ઘરવખરીને તથા દુકાનોમાં ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘણા વિસ્તારોમાં ગણેશ પંડાલ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘરની બહાર પાણી ઉલેચતા નજરે ચડયા હતા.

જાેકે, વરસાદના વિરામ છતા આજે બીજા દિવસે પણ અનેક સ્થળે પાણી ભરાયેલા રહેતા લોકોએ પાલિકા તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રતિવર્ષ નિયત સ્થળોએ પાણીનો ભરાવો પ્રિમોન્સુન કામગીરી પાછળ પાલિકા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ પ્રતિવર્ષ જે સ્થળોએ પાણીનો ભરાવો થાય છે તેજ સ્થળોએ આ વર્ષે પણ પાણીનો ભરાવો થયો છે. તંત્ર માત્ર માટી અને કીચડ સાફ કરી સંતોષ માને છે પરંતુ પાણીનો ભરાવો રોકવા માટે કોઈ ચોક્કસ આયોજન કરતું નથી જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પાણીમાં ગરકાવ થાય છે .

કાશી વિશ્વનાથ મંદિરમાં વરસાદી પાણી ભરાતા પંપો મુકીને પાણીનો નિકાલ કરાયો

વડોદરા શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે રાજમહેલ રોડ સ્થિત પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ભારે પાણી ભરાતા આજે સવારથી ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા પંપો ગોઠવવા પડ્યા હતા. કાશી વિશ્વનાથ મંદિર ની બાજુમાં તળાવ આવેલું છે તે તળાવ છલકાતા તેનું પાણી મંદિરમાં ભરાઈ ગયું હતું તેની સાથે સાથે સતત ચાર ઇંચ વરસાદ પડકાર કાશી વિશ્વનાથ મંદિરના કમ્પાઉન્ડમાં અને મંદિરના પરિસરમાં પાણી ભરાઈ ગયું હતું.રાજમહેલ રોડ કાશી વિશ્વનાથ મંદિરને અડીને જ લાલબાગ બ્રિજ પણ આવેલો છે તેની નીચે પણ પાણી ભરાઇ ગયા હતા તેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અનેક વાહનચાલકો આજે બીજા દિવસે પણ પાણી ભરેલા રહેતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.