અમદાવાદ-

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ગયુ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગુરુવારે ભારે પવન સાથે વરસાદ વર્સ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. રાજ્યમાં વરસાદના આંકડા જોઈએ તો સુરત શહેરમાં 3 ઈંચ, વડોદરામાં દોઢ ઈંચ, વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm જેટલો વરસાદ નોંધાયો હતો. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં ભરપૂર વરસાદ પડ્યો હતો.

પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી

વડોદરા અને સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. વડોદરા શહેરમાં અડધો કલાક સુધી વરસેલા વરસાદમાં જ ઘુંટણસમા પાણી ભરાયા હતે, તેમજ ૭૦થી વધુ ઝાડ પડ્યા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. સુરતમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવતાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી પુરવઠો ખોરવાયો હતો. 

પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડનો સમાવેશ થાય છે.