મહેસાણા-

જિલ્લો રાજકારણ ક્ષેત્રે ખૂબ પ્રગતિશીલ છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકારણ પર જનતાનો અવાજ ભારે પડી શકે છે તેવો ઘાટ ઘડાયો છે. જી હાં વાત છે મહેસાણાની શાણી જનતાના પ્રાણ પ્રશ્નોની. પાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ, ગંદકી, પાણીની સમસ્યાની અનેક રજૂઆતો આવી છતાં શાસકો આ તમામ રજૂઆતોને ઘોળીને પી જતા હતા. એટલે છેવટે આવા અકડું વલણથી કંટાળીને સોસાયટીના લોકોએ નો એન્ટ્રીના બેનરો લગાવી દીધા છે. હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોઈ હવે મોકો નાગરિકો પાસે છે કે, નેતાઓને કેમ સરખા કરવા ત્યારે મહેસાણા શહેર ભાગ 1 અને 2ની કેટલીક સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય લેતા સોસાયટી મંડળો દ્વારા સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ બેનરો લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે આજે મહેસાણાની જનતાએ નેતાઓ માટે જેવા સાથે તેવાનો દાવ રમતા હવે ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની સ્થિતિ કેવી થાય છે તે તો જોવું રહ્યું.