દિલ્હી-

સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેંટિવ (PLI) યોજના હેઠળ વ્હાઇટ ગૂડ્સના ઉત્પાદન માટે 52 કંપનીઓ સહિત કેટલીક સૌથી મોટી વૈશ્વિક બ્રાન્ડ્સે દેશમાં એર કન્ડીશનરના પાર્ટ્સ અને એલઈડીના ઉત્પાદન માટે PLI યોજના હેઠળ આવેદન કર્યું છે. આ કંપનીઓએ 5,800 કરોડ રૂપિયાથી વધારેના રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. એક સત્તાવાર અનુમાન પ્રમાણે આનાથી આગામી 5 વર્ષમાં દેશમાં 2.71 લાખ કરોડ રૂપિયાના વ્હાઇટ ગૂડ્સનું ઉત્પાદન થશે. ઉલ્લેખનીય છે કે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ જેવી કે AC, ફ્રીજ, વૉશિંગ મશીન અને વીજળીના ઘરેલૂ સાધનો વગરેને વ્હાઇટ્સ ગૂડ્સના નામથી ઓળખવામાં આવે છે. 80 કંપનીઓએ AC સ્પેરપાર્ટ્સના નિર્માણ માટે લગભગ 5,000 કરોડ રૂપિયાના રોકાણ માટે તૈયારી દર્શાવી છે અને 21 કંપનીઓએ LED માટે 871 કરોડ રૂપિયાના રોકાણ માટે તૈયારી દર્શાવી છે. એ પાર્ટ્સના ઉત્પાદન માટે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે જેનું ભારતમાં સારા પ્રમાણમાં નિર્માણ નથી થતું. આ વર્ષે એપ્રિલમાં સરકારે આગામી 5 વર્ષો માટે 6238 કરોડ રૂપિયાના બજેટ સાથે વ્હાઇટ ગૂડ્સ સેક્ટર માટે એક PLI યોજનાને મંજૂરી આપી હતી. DPIIT દ્વારા યોજનાને સૂચિત કરવામાં આવી હતી અને અરજી જમા કરવાની અંતિમ તારીખ ગઈકાલે (15 સપ્ટેમ્બર) હતી. સરકાર આ અરજીઓ પર બે મહિનાની અંદર નિર્ણય લેશે.