ગાંધીનગર

કોરોના મહામારીનાં સમાચાર વચ્ચે ધોરણ ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે આ વર્ષે ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો ર્નિણય કર્યો છે. જેનો અર્થ એ છે કે આ વર્ષે ધોરણ ૧૦ ની પરીક્ષા લેવાશે નહી. આજે રાજ્યનાં મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યનાં વિદ્યાર્થીઓનાં વિશાળ હિતમાં આ મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ કોર કમિટિની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, આ વર્ષે આ વર્ગનાં રેગ્યુલર વિદ્યાર્થીને રસીકરણ કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામા આવી નથી, તેમના આરોગ્યનાં હિતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર આ વર્ષે તેમને માસ પ્રમોશન આપવા જઇ રહી છે.

આ અંગે વધુ વિગતો આપતા રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ નાં રેગ્યુલર વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. આપને જણાવી દઇએ કે, રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ જે તા.૧૦મી મે થી ૨૫ મી મે સુધી યોજાવાની હતી તે તાજેતરની કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી મોકૂફ રાખવાનો ર્નિણય ગત મહિને જ કર્યો હતો. જે દરમિયાન સરકારે જાહેર કરેલુ કે, કોરોના સંક્રમણની સ્થિતિનું આંકલન કરીને પૂનઃસમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ કે કોર કમિટિમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એવો પણ ર્નિણય લીધો છે કે ધોરણ-૧૦ ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાનાં કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કર્યા બાદ યોજવામા આવશે.