વડોદરા, તા.૨૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત સાહસ વડોદરા ગેસ કંપનીએ આજે ઘરગથ્થુ પાઇપ લાઇનથી ગેસના ભાવમાં ટેક્સ સાથે પ્રતિ યુનિટ રૂ.૬.૦૪ નો વધારો કર્યો છે. જેનો અમલ તારીખ ૧લી માર્ચથી કરવામાં આવશે. આમ હવે પાઈપ ગેસ ના ગ્રાહકોને હવે પ્રતિ યુનિટ રૂા.૩૫.૬૫ ચુકવવા પડશે.આ ભાવ વધારા થી બે લાખ જેટલા પાઈપ્ડ લાઈન ગેસ ગ્રાહકો પર વાર્ષિક રૂા. ૧૮ કરોડ જેટલો બોજ પડશે.

વડોદરા કોર્પોરેશન અને ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત સાહસ વડોદરા ગેસ કંપની દ્વારા આંતરરાષ્ટ્રિય બજારમાં વધતા જતા ગેસના ભાવ વધારાને ધ્યાનમાં રાખી અવાર નવાર ગેસના ભાવનો વધારો કરતી હોય છે જેમાં ખાસ કરીને કોમ્પેક્ટ નેચરલ ગેસ અને કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીઝમાં અપાતા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં અવારનવાર વધારો થતો હોય છ.ે તાજેતરમાં વડોદરા ગેસ કંપનીએ ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ પીએનજી ગેસમાં એક મહિના પહેલા બે રૂપિયાનો વધારો કર્યો હતો જ્યારે સીએનજીના ભાવમાં પણ ત્રણથી ચાર રૂપિયાનો વધારો કર્યો હતો પરંતુ વડોદરા ગેસ કંપનીએ ઘરગથ્થું અપાતા પીએનજી ના ભાવ માં ગત ઓક્ટોબર ૨૦૨૧ થી વધારો કર્યો નથી.ગત ઓકટોબર મહિનામાં વડોદરા ગેસ કંપનીએ પાઇપ નેચરલ ગેસ ના ભાવ માં વધારો કરી પ્રતિ કયુબિક મીટરનો ભાવ રૂ.૨૯.૬૧ કર્યો હતો. ત્યારબાદ ગેસના ભાવમાં જાન્યુઆરી માં વધારો થતાં ગુજરાતની અન્ય કંપનીઓએ પીએનજીના ભાવમાં વધારો કર્યો હતો પરંતુ વડોદરા ગેસ કંપનીએ આજ દિન સુધી વધારો નહીં કરતા રૂ. છ કરોડની ખોટ ગઈ છે જેથી હવે વડોદરા ગેસ કંપની એ પણ ઘરગથ્થું અપાતા ગેસના ભાવમાં ટેકસ સાથે રૂ.૬.૦૪ પ્રતિ યુનિટનો વધારો કર્યો છે.

આમ આ ભાવ વધારાને કારણે હાલ વડોદરા શહેરના બે લાખ જેટલા પાઈપ લાઈન ગેસ ગ્રાહકોને રૂા.૨૯.૬૧ ના ભાવે પ્રતિ યુનિટ ગેસ મળે છે તે વધીને હવે રૂા.૩૫.૬૫ પ્રતિ યુનિટના ચુકવવા પડશે.આ ભાવ વઘારાને પગલે ગેસ ગ્રાહકો પર દર મહિને રૂા.૧.૫૦ કરોડ અને વાર્ષિક રૂા. ૧૮ કરોડનો વધારોનો બોજ પડશે.

ઉલ્લેખનિય છે કે,હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ઘરગથ્થુ પીએનજી આપવામાં આવે છે તેનો ભાવ પ્રતિ યુનિટ રૂ. ૪૦.૩૦ છે. જ્યારે સીએનજીનો પ્રતિ એક કિલોનો ભાવ રૂ. ૬૭.૫૩ છે. જ્યારે અદાણીનો પીએનજી નો ભાવ રૂ.૫૨.૯૦ છે અને સીએનજીનો ભાવ રૂ.૭૧.૮૪ છે.

આમ પેટ્રોલ ડિઝલ ના ભાવમાં વધારાની સાથે પાઈપ લાઈન ગેસના ભાવમાં પણ વઘારો કરવામાં આવતા મોંઘવારી થી ત્રસ્ત લોકો ની મુશ્કેલીઓ વઘશે અને ગૃહિણીઓનુ બજેટ ખોરવાશે.