રાજપીપળા -

ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે ગઇકાલે ગાંધીનગર ખાતે રાજ્યના આંગણવાડીના નવા નંદઘર ભવનના ઈ- લોકાર્પણ, ઈ- ભૂમિપૂજન, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોન્ચીંગ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણના યોજાયેલાં રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાના ભદામ ગામની આંગણવાડી કેન્દ્રના આંગણવાડી કાર્યકર હેતલબેન રણજીતભાઇ પટેલને મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીએ રૂા.૫૧ હજારનો પુરસ્કાર તેમજ તેડાગર સુમિત્રાબેન જગદીશભાઇ વસાવાને રૂા.૩૧ હજારનો પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને માતા યશોદાના સ્મૃતિચિન્હ સાથે માતા યશોદા એવોર્ડ એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું.

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના ભદામ ગામની આંગણવાડી કેન્દ્ર-૨ ના આંગણવાડી કાર્યકર હેતલબેન પટેલ તા.૨૫/૦૮/૨૦૧૦ થી અને તેડાગર સુમિત્રાબેન વસાવા તા.૨૩/૦૩/૨૦૧૧ થી આંગણવાડી કેન્દ્રની સેવાઓમાં જોડાઇને છેલ્લા દસેક વર્ષથી ભદામ ખાતે તેઓ સેવાઓ આપી રહ્યા છે. આ બન્ને બહેનો આંગણવાડી કેન્દ્ર નિયમિત ખોલવાથી લઇને લાભાર્થીઓની નિયમિત ગૃહ મુલાકાતની શ્રેષ્ઠ ફરજો નિભાવી રહ્યાં છે.

હેતલબેન પટેલ જણાવે છે કે, લાભાર્થીઓની ગૃહ મુલાકાત દરમિયાન તેમણે જોયું કે, લોકોની સ્વચ્છતા વિશેની ઓછી જાણકારી છે તેથી તેઓએ આંગણવાડીમાં આવતા તમામ બાળકોને સાબુથી હાથ ધોવડાવવાનું ચાલુ કર્યું અને બાળકો જમતા પહેલાં સાબુથી અવશ્ય હાથ ધોવે તે માટે હેતલબેન અને સુમિત્રાબેને સતત કાળજી રાખી છે. હેતલબેને મમતા દિવસ અને કિશોરી મિટીંગ દ્વારા જનસમુદાય સુધી સ્વચ્છતાની સારી ટેવો પહોંચાડી છે. આંગણવાડીમાં આવતી તમામ માતાઓને ઘરે પણ બાળકોને જમતાં પહેલા સાબુથી અવશ્ય હાથ ધોવા માટે પ્રેરણા આપતાં માતાઓએ પણ તે પ્રમાણે તેમના ઘરે બાળકોને જમતા પહેલા સાબુથી હાથ ધોવડાવતી થઇ છે. ફક્ત સ્વચ્છતા જ નહીં, આરોગ્ય અને પોષણને પણ આ બંન્ને બહેનો દ્વારા એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે માતાઓ સાથે વાતચીત દરમિયાન જાણ્યું કે, માતાઓ બાળકોને યોગ્ય રીતે કેવી રીતે લેવું અને ધાવણ આપવું તે ખરેખર જાણતા નથી.